જીભ બહાર, ચપ્પલ અને ચાદર ગુમ — પરિવારજનોએ નિષ્પક્ષ તપાસની ઉઠાવી માંગ
(પ્રતિનિધિ) સુખસર | તા. ૩૧
સુખસર તાલુકામાં શંકાસ્પદ હાલતમાં કૂવા, નદી અથવા બિનવારસી સ્થળોથી લાશો મળવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. વર્ષોથી ચાલતા આ સિલસિલા વચ્ચે વધુ એક ચોંકાવનારો બનાવ મારગાળા ગામે સામે આવ્યો છે, જ્યાં ચાર દિવસથી ગુમ થયેલા ૪૫ વર્ષીય વ્યક્તિનો મૃતદેહ ગામના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ સુખસર તાલુકાના મારગાળા ગામના પચોર ફળિયામાં રહેતા મતાભાઈ ધનાભાઈ ભાભોર (ઉંમર ૪૫) તા. ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે પોતાના ઘરના ઓટલા પર સૂયા બાદ અચાનક ગુમ થઈ ગયા હતા. પરિવારજનો તથા સગા-સંબંધીઓ દ્વારા વ્યાપક શોધખોળ કરવા છતાં તેમનો કોઈ અતોપત્તો મળ્યો ન હતો. અંતે શુક્રવારના રોજ તેમની પત્ની પુનીબેન ભાભોરે સુખસર પોલીસ સ્ટેશનમાં પતિ ગુમ થયાની જાણ કરી હતી.
તપાસ દરમિયાન મતાભાઈ ભાભોરનો મૃતદેહ તેમના ઘરથી આશરે ૫૦૦ મીટર દૂર આવેલા ગામના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. સુખસર પોલીસે લાશનો કબજો લઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે મૃતકની લાશ કૂવામાંથી મળતી વખતે તેની જીભ મોઢામાંથી બહાર નીકળી આવેલી હતી, જ્યારે તેમણે પહેરેલ ચપ્પલ તથા ઓઢેલ ચાદર પણ ગુમ હતી. પરિવારજનોનું કહેવું છે કે સામાન્ય રીતે પાણીમાં ડૂબવાથી જીભ બહાર આવતી નથી. ઉપરાંત, જો વ્યક્તિ આત્મહત્યા કરવા કૂવામાં પડતો હોય તો પોતાના ચપ્પલ અને ચાદર અલગ ક્યાંક મૂકી જાય તે પણ શંકાસ્પદ છે. તેથી આ ઘટના પાછળ કોઈ અઘટિત કે ગુન્હાહિત કૃત્ય થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સુખસર તાલુકામાં શંકાસ્પદ મોતોની ચિંતાજનક શ્રેણી
સુખસર તાલુકામાં વર્ષ ૨૦૧૧થી આજદિન સુધીમાં લગભગ ૧૦૦ જેટલા શંકાસ્પદ કમોતના બનાવો બની ચૂક્યા છે. કેટલાક કેસોમાં આરોપીઓ ઝડપાયા હોવા છતાં અનેક ગંભીર ગુન્હાહિત ઘટનાઓમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સંકેતો હોવા છતાં, આરોપીઓ વર્ષો બાદ પણ પોલીસની પકડથી દૂર રહ્યા છે. મહિલાઓ અને નાનાં બાળકો સાથે થયેલી આત્મહત્યાની ઘટનાઓ પણ નોંધાઈ ચૂકી છે, જેને ઘણી વખત તપાસ વિના આત્મહત્યા ગણાવી ફાઈલો બંધ કરી દેવામાં આવી હોવાનું સ્થાનિક લોકો કહે છે.
જો અગાઉના આવા બનાવોની ફાઈલો પરથી ધૂળ ખંખેરી તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ગુન્હેગારો જેલના સળિયા પાછળ પહોંચી શકે અને વધતા જતા શંકાસ્પદ મોતોના બનાવો પર રોક લગાવી શકાય — તેવી મજબૂત માંગ હવે સુખસર પંથકમાંથી ઉઠી રહી છે.
રિપોર્ટર: બાબુભાઈ સોલંકી