Sukhsar

સુખસર તાલુકાના સાગડાપાડા ગામે ખેતરમાં વાવેલા ગાંજાના છોડ ઝડપાયા

દાહોદ એસ.ઓ.જી. પોલીસે કાર્યવાહી કરી એક આરોપીની ધરપકડ કરી
લીલા ગાંજાના 62 છોડ (વજન 3.560 કિલોગ્રામ) સાથે રૂ.1,78,000નો મુદ્દામાલ કબજે
(પ્રતિનિધિ) સુખસર, તા. 4
સુખસર તાલુકાના સાગડાપાડા ગામે એક ખેડૂતના ખેતરમાં ગાંજાના લીલા છોડનું ગેરકાયદેસર વાવેતર કરાયું હોવાની બાતમી મળતા દાહોદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ગાંજાના છોડ કબજે લઈ એક આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, સાગડાપાડા ગામના નવાધરા ફળીયામાં રહેતા ભૂંડાભાઈ નાથાભાઈ મછારના ખેતરમાં ગાંજાના લીલા છોડનું વાવેતર કરાયું હોવાની ચોક્કસ બાતમી દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળી હતી. આ આધારે એસ.ઓ.જી.ની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાં એક વ્યક્તિ હાજર મળ્યો હતો, જેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ ભૂંડાભાઈ નાથાભાઈ મછાર હોવાનું જણાવ્યું હતું.
ખેતરની તપાસ કરતાં તેમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંજાના કુલ 62 છોડ મળી આવ્યા હતા. ગાંજાના છોડનું વજન કરતા 3.560 કિલોગ્રામ થયું હતું, જેની અંદાજિત કિંમત રૂ.1,78,000 હોવાનું જાણવા મળ્યું હતું.
દાહોદ જિલ્લા એસ.ઓ.જી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ આરોપી ભૂંડાભાઈ નાથાભાઈ મછાર સામે એન.ડી.પી.એસ. એક્ટ–1985ની કલમ 20 (એ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

રિપોર્ટર: બાબુભાઈ સોલંકી

Most Popular

To Top