Sukhsar

સુખસર તાલુકાના લખણપુર–જાંબાસર તળાવમાં બંધ પડેલી ઇરીગેશન યોજના ફરી શરૂ કરવાની ખેડૂતોની માંગ

(પ્રતિનિધિ) સુખસર, તા.3
દાહોદ જિલ્લાના ફતેપુરા તથા સુખસર તાલુકામાં અનેક તળાવો આવેલા છે. આ તળાવોમાં વર્ષ દરમિયાન સારો પાણી સંગ્રહ થતો હોવા છતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને રવિ પાક માટે પૂરતું સિંચાઈનું પાણી મળતું નથી. સ્થાનિક જવાબદારો તેમજ સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન ન અપાતા ખેડૂતો ઇરીગેશનના પાણી માટે વલખા મારી રહ્યા છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે સ્થાનિક ગરીબ ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવા તાત્કાલિક પગલાં લેવાં જરૂરી છે.

સુખસર તાલુકામાં ત્રણ જેટલા સિંચાઈ તળાવો આવેલા છે, પરંતુ આ તળાવો પરથી નહેર દ્વારા ગામડાઓ સુધી પાણી પહોંચાડવાની જે વ્યવસ્થા કરવામાં આવી હતી, તે આજે બિસ્માર હાલતમાં જોવા મળે છે. લખણપુરના જાંબાસર ખાતે આવેલું મોટું તળાવ વર્ષ દરમિયાન પૂરતો પાણી સ્ટોક ધરાવે છે. વર્ષ 2001માં જાંબાસર અને લખણપુર ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા ઇરીગેશન યોજના શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં ખેડૂતોને તેનો લાભ મળ્યો હતો, પરંતુ છેલ્લા આઠ વર્ષથી લખણપુરના ખેડૂતોને પાણી મળતું બંધ થતાં આ ઇરીગેશન યોજના મૃતપ્રાય બની ગઈ છે.
જો તૂટી ગયેલી ઇરીગેશન લાઇનનું સમારકામ કરવામાં આવે અને નવી પાઇપલાઇન નાખવામાં આવે, તો લખણપુર અને જાંબાસર ઉપરાંત હડમત અને કાળીયા ગામને પણ સિંચાઈ માટે લાભ મળી શકે તેમ છે. જાંબાસર તળાવમાં પૂરતું પાણી હોવા છતાં જવાબદાર તંત્રની બેદરકારીના કારણે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2001માં જ્યારે લખણપુર–જાંબાસર તળાવ ઇરીગેશન યોજના શરૂ થઈ હતી, ત્યારે તેમાં 146 ખેડૂત સભ્યો જોડાયેલા હતા. લખણપુર તળગામના 288 એકર અને લખણપુર-2 જાંબાસરના 160 એકર વિસ્તારમાં ઇરીગેશન દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હતું. હાલ પરિસ્થિતિ એવી છે કે માત્ર 12થી 15 જેટલા ખેડૂતો પોતાના ખર્ચે મોટર, વીજ બિલ અને ઓપરેટરની વ્યવસ્થા કરીને પાણી લઈ રહ્યા છે.
સ્થાનિક ખેડૂતોની માંગ છે કે જાંબાસર તળાવની ઇરીગેશન યોજના નવેસરથી શરૂ કરી તેમાં લોખંડની પાઇપો નાખવામાં આવે અને તમામ ખેડૂતોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. સુખસર વિસ્તારના ધારાસભ્ય તથા રાજ્ય કક્ષાના કૃષિ મંત્રી રમેશભાઈ કટારા આ વિસ્તારના હોવાથી તેઓ દ્વારા આ ઇરીગેશન યોજનાનું નવીનીકરણ કરવામાં આવે તેવી ખેડૂતોમાં મજબૂત માંગ ઉઠી રહી છે. વહેલી તકે સંબંધિત તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે તે સમયની જરૂરિયાત બની છે.

Most Popular

To Top