Vadodara

સીબીએસઈ ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સરળ નીકળ્યું, વિદ્યાર્થીઓ મોજમાં : સારો સ્કોર થવાની શક્યતા


વડોદરા |
સીબીએસઈ બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે, જેમાં બુધવારે યોજાયેલ ધોરણ 10ના વિજ્ઞાન વિષયનું પેપર વિદ્યાર્થીઓ માટે એકંદરે સરળ નીકળ્યું હતું. પેપર સરળ રહેતાં પરીક્ષા આપી બહાર આવેલા વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી અને સારા ગુણ મેળવવાની આશા વધુ મજબૂત બની છે.
વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, વિજ્ઞાનનું પેપર ઓવરઓલ સરળ હતું. જોકે કેટલાક વિદ્યાર્થીઓને કેમિસ્ટ્રી વિભાગ થોડો અઘરો અને મોડરેટ લાગ્યો હતો, પરંતુ જેમણે એનસીઆરટી પાઠ્યપુસ્તકના આધારે સારી તૈયારી કરી હતી, તેમને આ પેપર ખૂબ જ સરળ લાગ્યું હતું.
એજ્યુકેશન નિષ્ણાંત નિરવભાઈ મહેન્દ્રભાઈ જોષીએ જણાવ્યું હતું કે, આ પેપર વિદ્યાર્થીઓને સારા માર્ક્સ સ્કોર કરવા માટે પ્રોત્સાહન આપતું હતું. જેમણે નિયમિત અભ્યાસ અને યોગ્ય તૈયારી કરી હતી, તેમને પેપર લખવામાં કોઈ ખાસ મુશ્કેલી પડી નહોતી. જ્યારે તૈયારી ઓછી રહેનારા વિદ્યાર્થીઓને પેપર થોડું મોડરેટ લાગ્યું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે બાયોલોજી વિભાગ ખૂબ જ સરળ પૂછાયો હતો અને ફિઝિક્સ વિભાગ પણ સહેલો રહ્યો હતો. ઘણા વિદ્યાર્થીઓએ સમય પૂરો થાય તે પહેલાં જ પેપર પૂર્ણ કરી દીધું હતું. સમગ્ર પેપર એનસીઆરટી આધારિત હોવાથી ટેક્સબુક વાંચીને ગયેલા વિદ્યાર્થીઓને ખાસ ફાયદો થયો હતો.
એકંદરે, ધોરણ 10નું વિજ્ઞાનનું પેપર સરળ રહેતાં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને આ વિષયમાં સારા ગુણ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top