દર વખતે હઠ કરીને પોતાનું ધાર્યું કરાવી જતા કેતન ઈમાનદાર સામે આ વખતે પાર્ટી નમતું નહિ જોખે એવા સંકેત
વડોદરા: સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનાં રાજીનામા બાદ જે ઘટનાક્રમ આકાર લઇ રહ્યો છે, તે જોતાં દર વખતે કેતનની હઠ સામે નમી જતી પાર્ટી આ વખતે નમતું નહીં જોખે તેવા સંકેત મળી રહ્યા છે. સીઆર પાટીલે સોઈ ઝાટકીને જણાવી દીધું છે કે પાર્ટીમાં શું કરવું એ પાર્ટી નક્કી કરશે, કોઈ ધારાસભ્ય નહિ.
ગઈ વિધાનસભા ચૂંટણીમાં કેતન ઈમાનદાર સામે લડેલા કુલદીપસિંહ રાઉલજીને ભાજપમાં પ્રવેશ અપાયો ત્યારથી જ કેતનભાઈ નારાજ ચાલી રહ્યા હતાં. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા લોકોને કોઈ મહત્વના પદ ના અપાય તેવી કેતનની લાગણી હતી. પરંતુ રાઉલજીને ડભોઇ વિધાનસભાના ભાજપના પ્રભારી બનાવાયા તેનાથી કેતન ભડકીને પાર્ટીના નિર્ણય સામે તલવારો ખેચી છે.
કેતનની આ નારાજગી સામે ભાજપના તેમના વિરોધીઓનું કહેવું છે કે 2012માં અપક્ષમાંથી ભાજપમાં આવ્યા બાદ તેમણે જીગર ઇનામદાર અને તત્કાલીન સાવલી નગરપાલિકા પ્રમુખ હસમુખભાઇ પટેલ સહિતના ભાજપના જૂના કાર્યકરોને વીણી વીણી ને સાફ કરી દીધા હતા. હવે તેમની સાથે આ જ થઈ રહ્યુ છે ત્યારે કકળાટ કરી રહ્યા છે.
જોકે, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના તીખા તેવર જોતા તેની કોઈ કારી આ વખતે ફાવે તેવું લાગતું નથી. પાટીલે તો ત્યાં સુધી કહી દીધું હોવાનું કહેવાય છે કે આ વખતે તો કેતનને ઘરે જ બેસાડી દઈશ. પાટીલે મીડિયા સમક્ષ નિવેદનમાં પણ એવું કહ્યું કે પાર્ટીમાં શું કરવું તેનો નિર્ણય સંગઠન લેશે, કોઈ ધારાસભ્ય નહિ.
પાટિલના આ તીખા તેવર જોતા, ત્રાગું કરીને દર વખતે પોતાનું ધાર્યું કરાવી જતા કેતનનો દાવ આ વખતે ઊંધો પડે અને રાજીનામું સ્વીકારી લેવાય તો નવાઈ નહી.
સીઆર પાટીલનાં તીખા તેવર, શું કરવું તે પાર્ટી નક્કી કરશે, ધારાસભ્ય નહિ
By
Posted on