Columns

સિલિકોન વેલી બેન્કનું ઉઠમણું ભારતીય બેન્કોનાં ગ્રાહકો માટે લાલબત્તી સમાન છે

ગત ગુરુવારે ક્રિપ્ટો આધારિત નાણાંકીય સંસ્થા સિલ્વરગેટના પતનના એક દિવસ બાદ સ્ટાર્ટ અપ અને વેન્ચર કેપિટાલિસ્ટની માનીતી સિલિકોન વેલી બેન્કે (એસવીબી) પોતાનો કારોબાર આટોપી લીધો. આ ઘટનાના ફક્ત ત્રણ દિવસ પહેલાં ફોર્બ્સના ટોચની ૧૦૦ અમેરિકન બેન્કોની યાદીમાં સિલિકોન વેલી બૅન્ક ૨૦મા ક્રમાંકે હતી. મૂડી ક્રેડિટ રેટિંગ મુજબ આ બૅન્કનું ક્રેડિટ રેટિંગ પણ એ-૧ હતું. તેમ છતાં ફક્ત ૪૮ કલાકના ગાળામાં સિલિકોન વેલી બેન્ક ઊઠી ગઈ હતી અને ફેડરલ ડિપોઝિટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશને શુક્રવારે બપોરે એસવીબીનો કબજો પોતાના હાથમાં લઈ લીધો હતો. વર્ષ ૨૦૨૨ ના અંતમાં એસવીબીની કુલ મિલકતો ૨૦૦ અબજ યુએસ ડોલર કરતાં પણ વધુ હતી. આજની તારીખે એસવીબી અમેરિકાની દ્વિતીય ક્રમની અને વર્ષ ૨૦૦૭ની મંદી બાદની સહુથી મોટી બૅન્ક છે, જેણે નાદારી નોંધાવવાનો વખત આવ્યો હોય.

એસવીબી બેન્કના પતનની ભારત પર અસર જાણતાં પહેલાં એ જાણવું રસપ્રદ રહેશે કે આ સિલિકોન વેલી બેન્ક શું છે?
વર્ષ ૧૯૮૩માં કેલિફોર્નિયાના સાન્તા ક્લારામાં સિલિકોન વેલી બેન્કની સ્થાપના કરવામાં આવી હતી. આ બેન્કનો મુખ્ય ઉદ્દેશ તકનીકી ક્ષેત્રમાં રોકાણ કરતા વેન્ચર કેપિટાલીસ્ટને નાણાંનું ધિરાણ કરવાનો હતો. એસવીબી પાસે કુલ ૧૭ જ શાખાઓ હતી અને તે પણ તેના આસપાસના વિસ્તારોમાં હતી. તેમ છતાં, વર્ષ ૨૦૨૧માં લગભગ અડધા અમેરિકન વેન્ચર કેપિટાલિસ્ટનાં ખાતાં સિલિકોન વેલી બેન્કમાં હતાં.

એક જાણકારી મુજબ આ બેન્ક તકનીકી સ્ટાર્ટ અપને ધિરાણ કરતી અનેક કંપનીઓમાં ભાગીદાર પણ હતી. સિલિકોન વેલી બેન્કની ચડતી અને પડતીમાં તેના સ્ટાર્ટ અપ અને વેન્ચર કેપિટલિસ્ટ સાથેના સંબંધોએ બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. સ્ટાર્ટ અપ ક્ષેત્રોના અત્યંત ઝડપી વિકાસની સાથે સિલિકોન વેલી બેન્કે પણ પોતાનો વિકાસ સાધ્યો હતો પરંતુ ક્રિપ્ટોના ધોવાણને કારણે આ બેન્કના અમુક ગ્રાહકોને બહુ મોટો ફટકો પડ્યો હતો.

તે ઉપરાંત અમેરિકાની ફેડરલ રિઝર્વ બેન્કે અમેરિકાની બેકાબૂ બનેલી મોંઘવારી ઉપર લગામ નાખવા વર્ષ ૨૦૨૨થી વ્યાજના દરો વધારવાના ચાલુ કર્યા હતા, જેને કારણે સ્ટાર્ટ અપ કંપનીઓને કર્જ લેવું મોંઘું પડી ગયું હતું. નાણાંની ખેંચને પહોંચી વળવા એસવીબીના ગ્રાહકોએ પોતાની પૂંજી ઉપાડવાની શરૂઆત કરી હતી. તે સાથે જ બેન્કમાં નવી ડિપોઝિટની આયાત ઘટી ગઈ હતી. પોતાની જમા રકમ ઉપાડવા ચાહતા ગ્રાહકોની માંગને પહોંચી વળવા સિલિકોન વેલી બેન્કે રોકાણો વેચવાનો વખત આવી ગયો હતો. તે માટે તેણે પોતાનાં કુલ રોકાણો પૈકી ૨૧ અબજ ડોલરની કિંમતનાં રોકાણો વેચ્યાં, જેમાં વધતાં વ્યાજના દરોને કારણે તેને ૨ અબજ ડોલરની ખોટ ગઈ હતી.

સામાન્ય સંજોગોમાં રોકાણોનું અવમૂલ્યન ગંભીર સમસ્યા ન કહી શકાય પરંતુ રોકાણકારોના માનસ ઉપર આ બાબતની પ્રતિકૂળ અસર પડી હતી. ખાતાંધારકોના ધસારાને પહોંચી વળવા અને ખોટને સરભર કરવા માટે ગત અઠવાડિયાના બુધવારે સિલિકોન વેલી બેન્કે પોતાના ૨૨૫ કરોડ ડોલરની કિંમતના શેરો બજારમાં વેચવા માટે મૂક્યા હતા. ખોટને સરભર કરવા માટે ભરાયેલું આ પગલું બેન્ક માટે પોતાના પગ ઉપર કુહાડી મારવા સમાન સાબિત થયું. બજારમાં બેન્કના પતનની અફવાઓ ફરતી થઈ ગઈ અને ગુરુવારે બેન્કના શેરના ભાવોમાં કડાકો બોલી ગયો. શુક્રવાર સવારથી શેર બજારમાં સિલિકોન વેલીના શેરોના વેચાણ ઉપર રોક લાગી ગઈ તથા બેન્કને વેચી મારવાની વાતો ઊડવા લાગી. બપોર સુધીમાં સત્તાવાર રીતે બેન્કે દેવાળું ફૂંકી દીધું હતું.

સિલિકોન વેલી બેન્ક આટલી ઝડપથી ધરાશયી થઈ તેનું મુખ્ય કારણ તેના દ્વારા એક જ ક્ષેત્રમાં કરવામાં આવેલું મહત્તમ રોકાણ છે. તે એવા ક્ષેત્ર સાથે જોડાયેલી છે જ્યાં માહિતીની આપ-લે અત્યંત ઝડપથી થાય છે. કોઈ એક કંપની પણ જો બેન્કમાંથી પોતાની મૂડી પાછી ખેંચી લે તો અન્ય રોકાણકારોને તે વાતની તરત જ જાણ થઈ જાય છે. ફક્ત સ્ટાર્ટ અપના સ્થાપકો જ નહિ પણ વેન્ચર કેપિટલ સાથે સંકળાયેલી કંપનીઓએ પણ સિલિકોન વેલી બેન્કમાંથી પોતાનાં રોકાણો ઉપાડી લેવા દોટ લગાવી હતી. ગુરુવાર સાંજ સુધીમાં જ ઘણાં ખરાં રોકાણકારોએ પોતાની જમા પૂંજી ઉપાડી લીધી હતી.

તેમ છતાં અમુક રોકાણકારો સમયસર પોતાની મૂડી ઉપાડી ન શક્યા, જેથી કરીને તેમનાં નાણાં ફસાઈ ગયાં છે. અમેરિકાની વર્ષ ૨૦૦૭ની આર્થિક મંદીમાં અનેક લોકોએ પોતાની જીવનભરની મૂડી ગુમાવી ત્યાર બાદ યુએસએની ફેડરલ રિઝર્વ બેન્કે પણ ખાતાંધારકોના હિતમાં આ પ્રકારનો કાયદો ઘડયો હતો. આ કાયદા અંતર્ગત ફેડરલ ડિપોઝીટ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન (એફડીઆઇસી) ની સ્થાપના થઈ હતી. આ સંસ્થાનું કામ ખાતાની જમા પૂંજીનો વીમો ઉતારવાનું છે. અમેરિકાની ઘણી ખરી બેન્કો આ સંસ્થાની સદસ્ય છે.

આ કાયદા હેઠળ જો કોઈ બેન્ક પોતાના ખાતાંધારકોની મૂડી પાછી નહીં વાળી શકે એવું જણાય તો એફડીઆઇસી તે બેન્કનો કબજો લઈ તેની મિલકતો વડે ખાતાંધારકોની મૂડી પાછી વાળે છે. આ સંજોગોમાં દરેક ખાતાંધારકોને મહત્તમ અઢી લાખ યુએસ ડોલરની રકમ પાછી વાળવાની બાહેંધરી આપવામાં આવે છે અને જે ગ્રાહકની વધુ મૂડી જમા હોય તે ધારકને નાદાર થયેલ બેન્કની સંપત્તિમાંથી બની શકે તેટલી રકમ ચૂકવી આપવામાં છે.

જો આપણે આ રકમની સરખામણી ભારતીય રૂપિયામાં કરીએ તો હાલના ભાવે એ લગભગ ૨ કરોડ રૂપિયા જેટલી થશે. ભારતના હાલના કાયદાઓ મુજબ જો કોઈ બેન્ક ઊઠી જાય તો દરેક ખાતાંધારકને તેની જમા પૂંજી સામે વધુમાં વધુ ૫ લાખ સુધીનું જ વળતર મળી શકે છે, પછી ભલે ધારકનાં ખાતાંમાં ૫ લાખ રૂપિયા હોય, ૫૦ લાખ રૂપિયા હોય કે એક કરોડ રૂપિયા હોય. એનો મતલબ એમ કે જો ભારતમાં કોઈ બેન્ક ઊઠી જાય તો ભારતીય ખાતાંધારકોને ફક્ત પાંચ લાખ રૂપિયા સુધીનું વળતર મળે છે, જ્યારે અમેરિકન બેન્કનાં ખાતાંધારકોને લગભગ ૨ કરોડ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે.

ભારતની સરકારને ખાતાંધારકોની વધુ ચિંતા છે કે બેન્કના માલિકોની?
અમેરિકાના બેન્કિંગ ક્ષેત્રમાં છાસવારે બેન્કો નાદારી નોંધાવતી જ હોય છે. અમેરિકાના ઇતિહાસમાં એક પણ બેન્કે નાદારી ન નોંધાવી હોય એવો સહુથી લાંબો સમયગાળો વર્ષ ૨૦૦૪ થી ૨૦૦૭ નો હતો, જેના પછી તરત જ મહામંદી આવી પડી હતી. જ્યારે પણ કોઈ બેન્ક ઊઠી જાય ત્યારે તે અનેક રોકાણકારોની જીવનભરની મૂડી ધોઈ નાખે છે. એસવીબીનાં નાનાં રોકાણકારોને તો ટૂંકમાં પોતાની મૂડી ફરી મળી જશે પણ એ લોકોનું શું, જેમના કરોડો રૂપિયા જમા હતા? એક કંપની પાસેની કુલ ૧૯૦ કરોડ યુએસ ડોલર જેટલી રોકડ પૈકી ૪૯ કરોડ યુએસ ડોલર રોકડ એસવીબીમાં જમા હતી. હવે તેણે બેન્કની મિલકતોનું લીલામ થાય કે કોઈ બેન્કને ખરીદી લે તેની રાહ જોવી રહી.

ભારતમાં ભૂતકાળમાં જ્યારે પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બેન્કનું પતન થયું હતું ત્યારે અમુક ખાતાંધારકોની કરોડો રૂપિયાની મૂડી સામે અમુક લાખ રૂપિયાનું જ વળતર મળ્યું હતું. યસ બેન્કના રોકાણકારોની હજારો કરોડ રૂપિયાની મૂડી ડૂબાડીને યસ બેન્કને ઉગારવાનો પ્રયાસ થયો હતો, જેની સામેનો કેસ આજની તારીખે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહ્યો છે. જો ભારતની અમુક મોટી બેન્કો કાચી પડે તો ભારતનાં કરોડો ખાતાંધારકો બરબાદ થઈ જાય તેવી સંભાવના છે.

Most Popular

To Top