વિદ્યાર્થીઓએ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોરની હાજરીમાં માનવસેવાના શપથ લીધા
દાહોદ: સિંગવડની શ્રીમતિ સી.એસ.ભાભોર સ્કૂલ ઓફ નર્સિંગમાં આજે લેમ્પ લાઈટિંગ અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જસવંતસિંહ ભાભોરે કાર્યક્રમમાં હાજરી આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વિદ્યાર્થીઓએ પરંપરાગત રીતે દીવો પ્રગટાવી જ્ઞાન અને સેવાનું પ્રતીક સ્વીકાર્યું હતું. ફ્લોરેન્સ નાઈટીંગેલની યાદમાં યોજાયેલા સમારોહમાં તેમણે નર્સિંગ પ્રોફેશનની નીતિ અને નિષ્ઠાને અનુસરવાની શપથ લીધા હતા. જસવંતસિંહ ભાભોરે તેમના સંબોધનમાં નર્સિંગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, નર્સિંગ માત્ર વ્યવસાય નથી, પરંતુ માનવતા પ્રત્યેની નિષ્ઠાનું પ્રતીક છે.

વિદ્યાર્થીઓએ નર્સિંગના મૂલ્યો અને જવાબદારીઓને સમજી પોતાની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. આંગણવાડી કેન્દ્રો અને આરોગ્ય સેવાઓમાં નર્સોની ભૂમિકા નિર્ણાયક છે. સ્થાનિક સમુદાયે પણ આ કાર્યક્રમને ઉત્સાહભેર આવકાર્યો હતો. શ્રીમતિ સી.એસ.ભાભોર સ્કૂલ આ નવી પેઢીને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં તૈયાર કરી રહી છે. આ સમારોહે વિદ્યાર્થીઓને શૈક્ષણિક જવાબદારીઓની સાથે માનવસેવાના ઉચ્ચ આદર્શો પણ શીખવ્યાં હતા.
