Savli

સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત

જાહેર માર્ગો પર ગેરકાયદેસર દબાણોથી ટ્રાફિક અને અકસ્માતનો ખતરો
રાજ્ય સરકારના પરિપત્રની અમલવારી ન થતી હોવાનો આક્ષેપ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
(પ્રતિનિધિ) સાવલી
સાવલી નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય રાજ્ય માર્ગો તેમજ આંતરિક જાહેર રસ્તાઓ પર ખાનગી ઇસમો અને દુકાનદારો દ્વારા કરવામાં આવતા ગેરકાયદેસર દબાણોને લઈ નગરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા હસુભાઈ પટેલ દ્વારા આ મુદ્દે કડક આક્ષેપો સાથે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવ્યા મુજબ, નગરપાલિકા હસ્તકના વિસ્તારોમાં દુકાનદારો દ્વારા રસ્તા ઉપર ઓટલા, લારીઓ, કેબિન, શેડ તેમજ માલસામાન મૂકી જાહેર માર્ગોને સાંકડા કરી દેવામાં આવ્યા છે. પરિણામે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે અને અકસ્માતોની સંભાવના પણ વધી રહી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વિરોધ પક્ષના નેતાએ વધુમાં આક્ષેપ કર્યો છે કે રાજ્ય સરકારના મહેસુલ વિભાગના પરિપત્ર ક્રમાંક દબાણ/૧૦૨૦૧૦/૧૦૧૬/લ (તા. ૧૬/૭/૨૦૨૨) મુજબ સરકારી ખુલ્લી જમીન અને જાહેર રસ્તાઓ પરથી દબાણ દૂર કરવાની જવાબદારી સંબંધિત મહેસુલ અધિકારીઓ અને સ્થાનિક સંસ્થાઓની છે. છતાં સાવલી નગરપાલિકા વિસ્તારમાં આ પરિપત્રની યોગ્ય અમલવારી થતી નથી અને દબાણકારો સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી.
આ પત્ર દ્વારા માંગ કરવામાં આવી છે કે નગરના તમામ મુખ્ય રાજમાર્ગો અને જાહેર રસ્તાઓ ઉપર થયેલા ગેરકાયદેસર અતિક્રમણો તાત્કાલિક દૂર કરવામાં આવે. સાથે સાથે જવાબદાર અધિકારીઓ તથા કર્મચારીઓ સામે શિસ્તભંગ મુજબ કાર્યવાહી કરવામાં આવે અને ફરીથી દબાણ ન થાય તે માટે કાયમી દેખરેખની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જો દબાણ કોમર્શિયલ પ્રકારનું હોય તો વીજળી, પાણી અને ગટર જેવી સુવિધાઓ ન આપવા અંગે કડક અમલ કરવાની પણ સ્પષ્ટ માંગ ઉઠી છે.
નગરમાં દબાણ મુદ્દે કાયદેસર કાર્યવાહી કરવાની આ લેખિત રજૂઆતની ખબર ફેલાતાં જ દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હવે નગરજનોની નજર નગરપાલિકા અને તંત્ર દ્વારા લેવાતા આગામી પગલાં પર મંડાઈ છે.

Most Popular

To Top