ભારે પવનથી પતરા ઉડ્યા, અનેક ગામોમાં વીજળી ખોરવાઈ અંધારપટ
કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ, ખેડૂતો ખેતરોમાં દોડી પડ્યા
સાવલી: સાવલી તાલુકામાં ગુરુવારની સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
ભારે પવનના ઝોકાથી અનેક ઘરોના પતરા અને શેડ ઉડી જવાના બનાવો બન્યા હતા. ધૂળની ડમરીઓ ઉડતાં દૃશ્યતા ઘટી ગઈ હતી અને લોકોમાં ગભરાટ ફેલાયો હતો. પવનની અસરથી તાલુકાના મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા અંધારપટ છવાઈ ગયો હતો.
ઉનાળાની વચ્ચે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા થોડા સમય બાદ વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
કમોસમી વરસાદી ઝાપટાંને કારણે ખેડૂતોમાં ભારે દોડધામ જોવા મળી હતી. ખેતરોમાં તૈયાર પાક જેમ કે તમાકુ, ઘઉં, બાજરી, રાઈડો, તુવેર અને શાકભાજી ભીના થવાની ભીતિથી ખેડૂતો પાક બચાવવા દોડી પડ્યા હતા.
કેટલાક વિસ્તારોમાં પાક પલળી જવાના અહેવાલો પણ મળ્યા છે. આ અચાનક વાવાઝોડા અને વરસાદને કારણે ખેડૂતો ચિંતિત બની ગયા છે અને વર્ષભરની મહેનત બગડી ન જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.
રિપોર્ટર: વિમલ પટેલ