સાવલી: સાવલી તાલુકાના ભાદરવા સાંકરદા રોડ પર મોક્સી ગામ પાસે આવેલી રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપનીમાં ટેન્કરમાં આગ લાગતા ત્રણ ઈસમોના મોત નીપજતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે

સાવલી તાલુકાના ભાદરવા સાકરદા રોડ પર મોકસી ગામ નજીક રીતુ એન્ટરપ્રાઇઝ નામની ડામરની કંપની આવેલી છે. પ્રાથમિક વિગતો અને રાહદારીઓ પાસે જાણવા મળ્યા મુજબ આ કંપનીમાં ડામર સહિતનું કાચું રો મટીરીયલ આવે છે અને તેમાં પ્રોસેસ કરવામાં આવે છે અને બેરલ માં ભરવામાં આવે છે. તેવામાં આજે બપોરના સમયે એક ટેન્કર ડામર ભરીને આવી હતી. પરંતુ ટેન્કરમાં ડામર જામ થઈ જતા તેને કાઢવા માટે ટેન્કરને ગરમ કરવામાં આવી હતી પરંતુ ભૂલથી ટેન્કરનો ઢાંકણું ખોલવાનું રહી ગયું હતું. પરિણામે ટેન્કર ગરમ થતા તેમાં ગેસ ઉત્પન્ન થતા પ્રચંડ ધડાકા સાથે ટેન્કર ફાટી હતી. જેમાં ચાલક ક્લીનર તેમજ એક મજૂર સહિત ત્રણના કરુણ મોત થયા હતા.

મળતી માહિતી મુજબ ત્રણેય મરણ પામનાર ઇસમો પર પ્રાંતીય હતા. હાલ ચોમાસાની સીઝન હોય ડામરનું કામ ઓછું ચાલતું હોવાથી કંપનીમાં કામદારો ઓછા હતા. નહીં તો મૃત્યુ આંક વધુ થાત તેવી હાજર જનોમાં ચર્ચા ચાલતી હતી. સાથે સાથે આ કંપનીના સંચાલકોની કામગીરી સામે પણ સ્થાનિકોએ શંકા વ્યક્ત કરી છે. ઘટનાના પગલે કંપનીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા અને મીડિયા કર્મીઓને માહિતી આપવાથી ઇન્કાર કરવામાં આવ્યો હતો અને ભીનું સંકેલવાનો પ્રયાસ થતો હોય તેવા પ્રયત્નો કંપની સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવતા હોય તેવી ચર્ચા એ જોર પકડ્યું છે. હાલ ત્રણેય મૃતકો ના મૃતદેહ સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે . જોકે હાલ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી મૃતકોના નામ કે સરનામા જાણવા મળ્યા નથી. ભાદરવા પોલીસ મથકે પણ આ બાબતે કંઈ પણ નોંધાવા પામ્યું નથી. ભાદરવા પોલીસે ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિનો તા મેળવીને અકસ્માત મોત રજીસ્ટર કરવા તપાસ હાથ ધરી છે .
તસવીરમાં સાવલી સાકરદા રોડ પર મોકસી ગામ પાસે ડામર ની કંપનીમાં ટેન્કરમાં આગ લાગતા ત્રણના મોત તે કંપનીની તસવીરો નજરે પડે છે