વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા અંગે જાગૃતિ માટે રોડ સેફ્ટી અભિયાન તજજ્ઞોની ઉપસ્થિતિમાં હાથ ધરાયું
સાવલી : કે-જે.આઈ.ટી. કેમ્પસ સાવલી ખાતે આવાસ યુથ વુમન રોડ સેફ્ટી એજ્યુકેશન અને અવેરનેસ કેમ્પેઇન–2025 હેઠળ વિશાળ હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. રાજસ્થાન સુરક્ષા વિભાગ અને કે-જે.આઈ.ટી. સાવલીના સંયુક્ત ઉપક્રમે તાલુકાની વિવિધ કોલેજો અને એન્જિનિયરિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફને કુલ 400 હેલ્મેટ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવવાનું મુખ્ય લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. ટુ-વ્હિલર અકસ્માતોમાં માથાને થતી ગંભીર ઇજાઓને અટકાવવામાં હેલ્મેટની અગત્યની ભૂમિકા હોવાની સમજ વિદ્યાર્થીઓને અપાઈ હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે રોડ સેફ્ટી એક્સપર્ટ અને આરટીઓ અજમેર ડો. વિરેંદ્રસિંહ રાઠોડ, રોડ સેફ્ટી માસ્ટર ટ્રેનર ભરત ગુર્જર, ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ, ગાંધીનગરના ટ્રસ્ટી મયુરભાઈ જોશી, રોડ સેફ્ટી CEO સંકેત પટેલ તથા રોડ સેફ્ટી એક્સપર્ટ અમિતભાઈ ખત્રી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવાના કાનૂની તેમજ સુરક્ષાત્મક ફાયદા વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

કે-જે.આઈ.ટી. કેમ્પસના સંસ્થાપક ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું કે, અમારી સંસ્થા માત્ર શિક્ષણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાજિક જવાબદારીઓ નિભાવવામાં પણ આગેવાન છે. હેલ્મેટ વિતરણ દ્વારા અમે વિદ્યાર્થીઓમાં સલામતી અંગેની સમજ વધારવા માંગીએ છીએ. આજે રાજ્યમાં પ્રથમ વખત કોઈ શૈક્ષણિક સંસ્થાના સંકલનથી આટલી મોટી સંખ્યામાં કન્યાઓને મફત હેલ્મેટ વિતરણ થયાનું ગૌરવ અમને છે.”તેઓએ વધુમાં ઉમેર્યું કે ટુ-વ્હિલર અકસ્માતોમાં મોટા ભાગે માથાની ઈજાઓથી મૃત્યુ થાય છે. હેલ્મેટ પહેરવાથી ચહેરા, આંખો અને માથાનું રક્ષણ મળી જીવન બચી શકે છે.

તસવીરોમાં: કે-જે. આઈ.ટી. કેમ્પસમાં યોજાયેલ આ હેલ્મેટ વિતરણ અભિયાનની ઝલક સ્પષ્ટ દેખાઈ રહી છે.