Vadodara

સાવલી ઉદલપુર રોડ પર અકસ્માતમાં GRD જવાનનું મોત

ફરજ પૂરી કરી ઘરે જતા બાઈક સ્લીપ ખાઈ, સારવાર દરમિયાન નિધન
(પ્રતિનિધિ) વડોદરા, તા. 12
સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળ (GRD)ના જવાનનું રોડ અકસ્માતમાં મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે. ફરજ પૂર્ણ કરી બાઈક પર ઘરે પરત ફરી રહેલા GRD જવાનનો સાવલી ઉદલપુર રોડ પર અકસ્માત થયો હતો, જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું.
સાવલી તાલુકાના રસુલપુર ગામે રહેતા ઉદેસિંહ મોહનસિંહ ચૌહાણના પુત્ર વિક્રમકુમાર ચૌહાણ (ઉ.વ. 34) છેલ્લા બે વર્ષથી GRD સભ્ય તરીકે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા હતા. ગત તા. 11 ફેબ્રુઆરીના રોજ તેઓ ફરજ પૂરી કરીને બાઈક લઈને સાવલીથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન સાવલી ઉદલપુર રોડ પર ચામુંડા ફાર્મની સામે અચાનક બાઈક સ્લીપ ખાઈ જતા તેઓ રોડ પર પટકાયા હતા.
અકસ્માતમાં વિક્રમકુમારને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘવાયેલા જવાનને સાવલીની જામનોત્રી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતક GRD જવાનના પરિવારમા પત્ની અને બે પુત્રો છે. જેમાં મોટો પુત્ર ધનરાજ (ઉ.વ. 12) ધોરણ-7માં અભ્યાસ કરે છે જ્યારે નાનો પુત્ર દેવરાજ (ઉ.વ. 10) રસુલપુર ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.
યુવાન જવાનના અકાળ અવસાનથી સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થયો છે અને બે નાનકડા પુત્રોએ પિતાની છત્ર ગુમાવતાં ગામમાં પણ શોકની લાગણી ફેલાઈ છે.

Most Popular

To Top