Vadodara

સાવલીમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાવતા ઉત્તેજના વ્યાપી, પોલીસે ઝંડો દૂર કર્યો


વડોદરા જિલ્લાના સાવલીના તાલુકાના લાહોરી વગામાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતા જ સાવલીમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે. અને સાવલી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને આવુ કૃત્ય કરનારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલાની તપાસ PSI ડી.જે. લીંબોલા કરી રહ્યા છે.
ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ મહોરમ પર્વની ઉજવણીનો માહોલ ચાલી રહ્યો છે. તેવામાં સાવલીના લાહોરી વગામાં મહોરમ તહેવાર નિમિત્તે ઝંડા તથા ઇસ્લામીક બોર્ડ લગાડવામાં આવ્યા છે. અને તેમાં પેલેસ્ટાઇનનો ઝંડો લગાડવામાં આવ્યો હોવાનું સપાટી પર આવ્યું છે. તાજેતરમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલતું હોવાથી તેવા સમયમાં આ ઝંડો લગાવી અને સાવલી વિસ્તારમાં કાયદો અને પરિસ્થીતી વણસે અને સુલેહ શાંતિ દહોળાય તેવા પ્રયત્નો કોઇ તત્વો દ્વારા કરવામાં આવતા હોવાનું જણાઇ આવ્યું છે. આ અંગેની જાણ હેડ કોન્સ્ટેબલ ભૂપેન્દ્રભાઇ ગણેશભાઇ દ્વારા સાવલી પોલીસમાં કરવામાં આવી છે. હાલ આ મામલે PSI ડી.જે. લીંબોલા વધુ તપાસ કરી રહ્યા છે.
ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે વર્ષોથી તણાવભર્યા સંબંધ છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી બંને વચ્ચે યુદ્ધની સ્થિતી ચાલી રહી છે. જેમાં અવાર-નવાર બંને દેશો દ્વારા એકબીજા પર જીવલેણ હુમલા કરીને જામ-માલનું નુકશાન પહોંચાડ્યું હોવાનું સામે આવતું રહે છે. આ મામલે ભારતનું વલણ ઇઝરાયલ તરફી વધુ હોવાનું અત્યાર સુધી સામે આવ્યું છે. તેવામાં સાવલીમાં ઉત્તેજના વ્યાપી જાય તેવી ઘટના સામે આવવા પામી છે.

પોલીસના જણાવ્યા અનુસાર 10થી 12 વર્ષના છોકરાઓએ ઝંડો લગાવ્યો હતો. ઉંમર નાની હોવાથી તેમને માફીપત્ર લખાવી જવા દેવામાં આવ્યા છે.

Most Popular

To Top