સાંજ સુધીમાં આશરે ૩૦ હજારથી વધુ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો
સાવલી: શૈવ પરંપરાના નવ નાથોમાં અગ્રગણ્ય સ્થાન પામેલા ગેબીનાથ દાદાની જીવંત સમાધિભૂમિ તથા “સુખ ચાહો તો સુખ દો” અને “સત્ય સંકલ્પનો દાતા ભગવાન” જેવી ગાગરમાં સાગર સમાન દિવ્ય ઉક્તિઓથી વિશ્વવિખ્યાત સંતશિરોમણી, પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય સ્વામીજી સાવલીવાળાની કર્મભૂમિ એવા ભીમનાથ મહાદેવ, સાવલી ધામે મહાશિવરાત્રી મહાપર્વની અદ્વિતીય, આધ્યાત્મિક અને ભક્તિમય ઉજવણી અતિ ભવ્ય રીતે સંપન્ન થઈ હતી.

પુરાણોમાં વર્ણવ્યા મુજબ મહા વદ ચૌદસના અતિ શુભ મુહૂર્તે દેવાધિદેવ મહાદેવ અને પર્વતરાજપુત્રી માતા પાર્વતીના પાવન વૈવાહિક સંયોગનો આ પવિત્ર દિવસ વિશ્વભરના શિવભક્તો દ્વારા પરંપરાગત શ્રદ્ધા અને ભક્તિભાવથી મહાશિવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. આ જ મહિમામય પરંપરાને અનુસરી ભીમનાથ મહાદેવ ધામે આ વર્ષે પણ અનન્ય ઉત્સાહ સાથે મહોત્સવ યોજાયો હતો.

આ પવિત્ર અવસર નિમિત્તે સમગ્ર મંદિર પરિસર શિખરથી અંતિમ પગથિયા સુધી નયનરમ્ય રંગબેરંગી દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું હતું. રાત્રિ સમયે પ્રકાશમય શણગારથી આ પ્રાચીન શિવાલય જાણે સ્વર્ગીય નગરી હોય તેવું દિવ્ય લાગી રહ્યું હતું. પૂજ્ય સ્વામીજીની બેઠક, ગેબીનાથ દાદાની સમાધિ, શિવાલયનું ગર્ભગૃહ તથા સમગ્ર પરિસર સુગંધિત ફૂલોના કલાત્મક શણગારથી અલંકૃત કરવામાં આવ્યા હતા. મંદિર બહાર યોજાયેલ લોકમેળાએ ઉત્સવની ભવ્યતામાં વધારો કર્યો હતો.
મહાશિવરાત્રી પર્વની શુભ શરૂઆત પ્રાતઃકાળે મંગલમય શહનાઈ વાદનથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંગીત પ્રચારિણી સભાના રંગમંચ પરથી ભક્તિગીતો અને શિવભજનોના સુમધુર ગાનથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું અને ભક્તજનો ભક્તિરસમાં લીન થઈ ગયા હતા.
શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર અતિ પ્રાચીન શિવલિંગની ચાર પ્રહરની પૂજા વિધિવત્ સંપન્ન થઈ હતી. તે સમયે ગર્ભગૃહમાં પ્રગટ થતો દિવ્ય તેજ અને મંત્રોચ્ચારના પવિત્ર સ્વરો વચ્ચે દર્શનાર્થીઓએ અદ્વિતીય આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી. પ્રાતઃકાળથી જ હજારોની સંખ્યામાં ભાવિક ભક્તજનો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. સૌએ શિસ્તબદ્ધ રીતે હરોળમાં ઊભા રહી પ્રથમ સમાધિમંદિરો અને ત્યારબાદ ગર્ભગૃહસ્થિત પૌરાણિક શિવલિંગના દર્શન કરી અનેરી ધન્યતા તથા શિવકૃપા પ્રાપ્ત થયાનો પરમ આનંદ અનુભવ્યો હતો.
મંદિર પરિસર પાસે આવેલા વિશાળ કેદારેશ્વર ભવનમાં પધારેલા તમામ ભક્તજનો માટે મહાપ્રસાદની સુવ્યવસ્થિત સેવા યોજવામાં આવી હતી. સવારે ૧૧:૩૦ વાગ્યાથી મસાલેદાર શક્કરીયા, બટાકા તથા શીતળ છાસના મહાપ્રસાદનું વિતરણ આરંભાયું હતું, જેમાં હજારો ભક્તોએ આનંદપૂર્વક લાભ લીધો હતો.
સાંજના સમયે સાવલી ગામમાંથી નીકળેલી શિવજીની પાલખી યાત્રા ભીમનાથ મંદિર ખાતે પધારી ત્યારે સંધ્યા આરતી દરમિયાન ઘંટારવ, ડમરૂનાદ અને ઢોલ-નગારાના ગર્જિત સ્વરોથી સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. તે ક્ષણે મંદિરનું વાતાવરણ જાણે કૈલાસધામ સમાન દિવ્ય અને અલૌકિક બની ગયું હતું અને ઉપસ્થિત સર્વ ભક્તો ભાવવિભોર બન્યા હતા.
વહીવટી તંત્ર દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ સાંજ સુધીમાં આશરે ૩૦ હજારથી વધુ ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો, જ્યારે અંદાજે ૩૫ હજાર જેટલા શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે મહાશિવરાત્રીની મહામંગલ આરતી અને આતશબાજી સાથે આ મહોત્સવનું વિધિવત્ સમાપન જાહેર કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર, : વિમલ પટેલ