Vadodara

સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર સતત બીજી સંકલન બેઠકમાં ગેરહાજર, કલેકટર સામેની નારાજગી યથાવત ?

વડોદરા સંકલન સમિતિમાં કરજણ અને પાદરાના પ્રશ્નો ગાજ્યા, ધારાસભ્ય અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા આક્રમક, જ્યારે સાવલીના ધારાસભ્યની ગેરહાજરી ચર્ચાનો વિષય

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શનિવારે જિલ્લા સંકલન સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારની સતત બીજી વખતની ગેરહાજરીએ રાજકીય આલમમાં અનેક સવાલો ઊભા કર્યા છે. સંકલન સમિતિની આ બેઠકમાં સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર હાજર રહ્યા ન હતા. ઉલ્લેખનીય છે કે, આ અગાઉની બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહ્યા હતા. તે સમયે તેમણે સ્પષ્ટપણે નારાજગી વ્યક્ત કરી હતી કે અધિકારીઓ પ્રજાના કામો કરતા નથી અને સંકલનનો અભાવ જોવા મળે છે. સતત બીજી બેઠકમાં તેમની ગેરહાજરી સૂચવે છે કે અધિકારીઓ પ્રત્યેની તેમની નારાજગી હજુ દૂર થઈ નથી. ધારાસભ્યની આ ગેરહાજરી વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેના ગજગ્રાહ તરફ અંગુલિનિર્દેશ કરે છે.
બીજી તરફ, કરજણ-પોરના ધારાસભ્ય અક્ષય પટેલે બેઠકમાં મક્કમતાથી રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કરજણ નગરપાલિકામાં ઘરેલુ ગેસ પાઈપલાઈનનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાની હાજરીમાં કરવામાં આવ્યું હોવા છતાં હજુ સુધી કામગીરી શૂન્ય છે. લોકો તંત્ર સામે સવાલો કરી રહ્યા છે. આ મુદ્દે ચીફ ઓફિસરે વહેલી તકે કામ શરૂ કરવાની ખાતરી આપી હતી.
અક્ષય પટેલે વર્ષોથી બંધ પડેલી નર્મદાની કેનાલોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે માગ કરી હતી કે જે કેનાલો વપરાશમાં નથી ત્યાં પાઈપ નાખીને ખેડૂતો માટે રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી તેમને કિલોમીટરો સુધીનો ફેરો ન કરવો પડે. આ ઉપરાંત, વેમાર અને સાદલી ગામની સાંકડી રેલવે ફાટકોને કારણે થતા અકસ્માતો અટકાવવા માટે તેને નારેશ્વર-પાલેજ ફાટકની જેમ પહોળી કરવા પણ ભાર મૂક્યો હતો.
બીજી તરફ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, પાદરા ચાણસદથી સમિયાલા ને જોડતો વેસ્ટર્ન બાયપાસ રોડ જે સંપાદનને કારણે વર્ષોથી અટકેલો છે. તે સંપાદન પૂર્ણ કરી રોડ જોઇન્ટ કરીને આખો રોડ ચાલુ કરવામાં આવે. પાદરા વડોદરા રોડ પર સર્જાતા ટ્રાફિક જામને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જે માટે દરેક પિક પોઇન્ટ પર ટ્રાફિક જવાનો તૈનાત કરવા આવે અને ટ્રાફિકને હળવો કરવામાં આવે. પાદરા જંબુસર રોડ બનીને તૈયાર થઈ ગયો છે પરંતુ બે પોઇન્ટ પર નર્મદા કેનાલ ક્રોસ થાય છે જેથી રોડ પહોળો થઈ શક્યો નથી. એના માટે જરૂરી મંજૂરી લઈ કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે. વડોદરાથી જે SDP નું પાણી સોખડા ખુર્દ સુધી આવે છે અને ત્યાંથી વિશ્વામિત્રીમાં જાય છે તે રસ્તામાં સિંચાઈ વિભાગ દ્વારા નાના ભૂંગળા નાખવામાં આવ્યા છે જેને મોટું નાળું બનાવી દેવામાં આવે તો વ્હેલી તકે અને સારી રીતે પાણી પસાર થઈ શકે ની રજૂવાત તેમણે કરી હતી.
જિલ્લા કલેક્ટરે તમામ પડતર પ્રશ્નોની ગંભીરતા નોંધી અધિકારીઓને જોઈન્ટ વિઝિટ કરવા અને વહેલી તકે રિપોર્ટ સોંપવા આદેશ આપ્યા હતા. જોકે, ધારાસભ્યો અને અધિકારીઓ વચ્ચેના તાલમેલના અભાવના મુદ્દે આ બેઠક વડોદરાના રાજકારણમાં ગરમાવો લઈ આવી છે.

Most Popular

To Top