કરોડોનું આંધણ છતાં કામગીરી શૂન્ય; મેરેથોન દોડ પૂર્વે જાનહાનિની ભીતિએ લોકોમાં ફફડાટ

વડોદરા: શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રસ્તાઓની બિસ્માર હાલત ફરી એકવાર સામે આવી છે. વડોદરાના મુજમહુડા વિસ્તારથી વિશ્વામિત્રી બ્રિજ તરફ જતા મુખ્ય માર્ગ પર વિશ્વામિત્રી નદીના પુલની શરૂઆતમાં જ એક મસમોટો ભુવો પડ્યો છે. આ ભુવાને કારણે વાહનચાલકોમાં ભારે ભય અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થળ પરથી મળતી માહિતી મુજબ, આ ભુવો વિશ્વામિત્રી બ્રિજના પિલરને બિલકુલ અડીને પડ્યો છે. ભુવાની અંદરથી બ્રિજનો પિલર પણ દેખાઈ રહ્યો છે. જો પાણીનો પ્રવાહ વધે અથવા ભારે વાહનોની અવરજવર ચાલુ રહે, તો પિલર ખુલ્લો થઈ જવાની અને બ્રિજની મજબૂતી પર જોખમ ઊભું થવાની શક્યતા છે. નોંધનીય છે કે આ બ્રિજનું સમારકામ હજુ થોડા સમય પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં આવી સ્થિતિ સર્જાતા તંત્રની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થયા છે.
સામાજિક કાર્યકર સ્થળ પર પહોંચી તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભુવો પૂરવા માટે જે મટીરિયલ લાવવામાં આવ્યું છે તેમાં માત્ર માટી અને કચરો જ જોવા મળી રહ્યો છે. જો યોગ્ય પથ્થરો અને ટેકનિકલ પદ્ધતિથી પૂરણ કરવામાં નહીં આવે, તો આગામી વરસાદ કે પાણીના વહેણમાં આ માટી ધોવાઈ જશે અને ફરી ભુવો પડશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વોર્ડ નંબર 12 અને પશ્ચિમ વિસ્તારમાં ભુવા પૂરવા પાછળ કરોડો રૂપિયાનું બજેટ વપરાય છે, પરંતુ પરિણામ શૂન્ય છે.
આગામી બે દિવસમાં વડોદરામાં મેરેથોન દોડનું આયોજન છે અને આ માર્ગ તેનો મુખ્ય ભાગ છે. વહેલી સવારે હજારો રનર્સ અહીંથી પસાર થવાના છે. જો અંધારામાં કોઈ દોડવીર કે વાહનચાલક આ ભુવામાં ખાબકે તો મોટી જાનહાનિ થઈ શકે છે. માંજલપુરમાં બનેલી અગાઉની દુર્ઘટનાઓને યાદ કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
સાંજના સમયે આ માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે. હાલમાં સુરક્ષા માટે માત્ર બેરીકેટ્સ મુકવામાં આવ્યા છે, પરંતુ રસ્તાની નીચે પોલાણ વધી ગયું હોવાથી ભારે વાહનો માટે આ જગ્યા અત્યંત જોખમી બની છે. સ્થાનિકોની માંગ છે કે કોર્પોરેશન વહેલી તકે ટેકનિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ આ ભુવાનું યોગ્ય સમારકામ કરે જેથી કોઈ અકસ્માત ન સર્જાય.