કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને પાલિકાની મીલીભગતના કારણે જનતાના જીવ જોખમમાં
વડોદરા: શહેરના ખોડિયાર નગરથી દરજીપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર આજે એક ચાલતી ટ્રક અચાનક પડેલા મોટા ભુવામાં ખાબકતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટ્રકનું પૈડું ઊંડા ભુવામાં ફસાઈ જવાથી વ્યસ્ત માર્ગ પર કિલોમીટરો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વારંવાર ગુણવત્તાયુક્ત રોડ રસ્તા બનાવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવે છે. આમ છતાં, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે હલકી કક્ષાની કામગીરી થતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે. આજે બનેલી આ ઘટનાએ ફરી એકવાર પાલિકાની પ્રી-મોન્સૂન અને રોડ મેન્ટેનન્સની કામગીરી સામે સવાલો ઉભા કર્યા છે.

ચોંકાવનારી વાત એ છે કે, આ ભુવો વડોદરાના મેયર પિન્કી સોનીના જ વોર્ડમાં પડ્યો છે. જ્યારે મેયરના પોતાના વિસ્તારમાં જ રસ્તાઓની આ હાલત હોય, ત્યારે અન્ય વિસ્તારોની સ્થિતિ શું હશે તે કલ્પનાનો વિષય છે. સામાજિક કાર્યકરો અને સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ અને અધિકારીઓ માત્ર કાગળ પર કામગીરી બતાવે છે, જ્યારે જમીની હકીકત કંઈક અલગ જ છે.

તંત્ર દ્વારા જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવાની અને ભુવાને પૂરવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરવામાં આવી હતી, પરંતુ વારંવાર પડતા ભુવાઓને કારણે વડોદરાના નાગરિકોમાં સુરક્ષાને લઈ ચિંતા વ્યાપી છે.
:- લોકોમાં ઉગ્ર રોષ અને કાર્યવાહીની માંગ…
ઘટના સ્થળે હાજર લોકોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, “વડોદરાને સંસ્કારી નગરીમાંથી ‘ભુવા નગરી’ બનાવી દેવામાં આવી છે. ટેક્સ પેયરોના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે.” સ્થાનિકોએ માંગ કરી છે કે:
*હલકી ગુણવત્તાના કામ કરનાર કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે.
*જવાબદાર એન્જિનિયરો અને અધિકારીઓ સામે કડક શિક્ષાત્મક પગલાં લેવાય.
*રસ્તાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય મટીરિયલ સાથે સમારકામ કરવામાં આવે.