Charotar

સામરખામાં ટ્રેક્ટરમાંથી ફંગોળાયેલા વૃદ્ધનું મોત

રાહતલાવથી પૌત્રવધુનો કરિયાવર લઇ ભૂમેલ જતાં વૃદ્ધને અકસ્માત નડ્યો

(પ્રતિનિધિ) આણંદ તા.20

આણંદના સામરખા ગામમાં પુરપાટ ઝડપે જતાં ટ્રેક્ટર પરથી વૃદ્ધ રસ્તા પર પટકાતાં તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે તપાસ કરતાં મૃતકના પૌત્રનું રાહતલાવમાં લગ્ન હતું. જ્યાંથી કરિયાવર ટ્રેક્ટરમાં લઇ વૃદ્ધ ભૂમેલ ઘરે જવા નિકળ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં અકસ્માત થયો હતો.

નડિયાદના ભુમેલ ગામના નરેન્દ્રભાઈ રાઠોડના પિતા ફતેસિંગ ધુળાભાઈ રાઠોડ (ઉ.વ.65) તેમની સાથે રહેતા છે. દરમિયાનમાં 19મી મેના રોજ નરેન્દ્રભાઈના ભાઇ સિદ્ધરાજસિંહના લગ્ન હોવાથી બધા લગ્નમાં આવ્યાં હતાં અને જાન લઇ લગ્ન કરાવવા માટે રાહતલાવ ખાતે આવ્યાં હતાં. આ લગ્ન પતાવી જાન લઇ સાંજના રાહતલાવથી ઘરે ભુમેલ મુકામે જવા નિકળ્યાં હતાં. બાકીનો કરિયાવરનો સામાન લેવા માટે ફતેસિંગ સહિતના પરિવારના સભ્ય ટ્રેક્ટર સાથે ત્યાંજ રોકાયેલાં હતાં.

અલબત્ત, રાત્રિના નરેન્દ્રભાઈને જાણવા મળ્યું કે, તેમના પિતા ફતેસિંગ ટ્રેક્ટરમાં બેસી ઘરે આવતા હતા ત્યારે સામરખાથી ચકલાસી જતાં રસ્તા પર ભોલીપુર નજીક ટ્રેક્ટર પર બેઠા હતાં. તે સમયે ફતેસિંગ ટ્રેક્ટર પરથી નીચે પડી જતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી અને સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે નરેન્દ્રસિંહ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યાં હતાં અને આસપાસમાં પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બધા રાહતલાવથી કરિયાવરનો સામાન લઇ ટ્રેક્ટરમાં ઘરે પરત આવતા હતા અને ફતેસિંગ ટ્રેક્ટરના પંખા પર બેઠાં હતાં. રાત્રિના સવા આઠેક વાગે સામરખાથી ચકલાસી જતાં રસ્તામાં ફતેસિંગ નીચે પડી ગયાં હતાં. જેમના પરથી ટ્રેક્ટરનું તોતિંગ વ્હીલ ફરી વળતાં મોત નિપજ્યું હતું. આ ટ્રેક્ટર મોહન દેસાઇભાઈ રાઠોડ (રહે. ભુમેલ) ચલાવતો હતો. આ અંગે પોલીસે મોહન રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top