જૂના સમયની વાત છે. એક ઘણા મોટા વેપારી હતા. દેશ પરદેશમાં તેમનો વેપાર ચાલે, તેમનાં વહાણ સાત સાગરને ખૂંદી વળે. શેઠના ઘેર હાથી, ઘોડા ઝૂલે એવી દોમદોમ સાહ્યબી હતી. એક દિવસ ઘરે આવીને શેઠ જુએ તો શેઠાણી છાણાં થાપતાં હતાં. શેઠે આશ્ચર્યથી પૂછ્યું, ‘‘અરે, તું છાણાં થાપવાનું કામ જાતે શું કામ કરે છે?’’ શેઠાણી બોલ્યાં, ‘‘જરા ધીરેથી બોલો.આજે હોલિકા ઉત્સવ છે એટલે જ બધા સેવકોને રજા આપી છે. ઘરમાં એકલી જ છું. પૂજાપાઠ નિમિત્તે આપણી ગૌશાળામાંથી છાણ મંગાવી લીધું છે અને હવે કોઈને ખબર ન પડે તેમ છાણાં થાપવા બેઠી છું.’’શેઠને હજી કંઈ ન સમજાયું, ‘‘પણ આમ જાતે છાણાં થાપવાનું કંઈ કારણ ખરું?’’
શેઠાણીએ બાજુમાં પડેલી હીરાની પોટલી તરફ આંગળી ચીંધીને પૂછ્યું, ‘‘આ શું છે?’’ શેઠે કહ્યું, ‘‘અરે, આ તો હમણાં લીધેલા મોંઘા મૂલના હીરા છે. આ હીરા ભરેલી પોટલી તેં અહીં શું કામ રાખી છે?’’ શેઠાણી શાંતિથી બોલ્યાં, ‘‘તમારામાં દુરંદેશી નથી પણ મારામાં છે. તમે ભલે વેપારના સોદા કરી જાણો પણ જીવનમાં દુરંદેશી બહુ જરૂરી છે.’’ શેઠે કહ્યું, ‘‘શેઠાણી છાણાં થાપી તમે કઈ દુરંદેશી સાબિત કરવા માંગો છો?’’ શેઠાણી બોલ્યાં, ‘‘જુઓ, જાણે વાત એમ છે કે છાણાં થાપું છું એમાં હું એક એક હીરો પણ મૂકું છું પછી આ હીરાવાળા છાણાં હું એક કોથળામાં ભરી માળિયે મૂકી દઈશ. ન કરે નારાયણ ને આપણા દિવસ ફરે. ધારો કે રાજા રૂઠે કે વેપારમાં પાસાં અવળાં પડે તો છાણાં ભરેલા કોથળા લઈ ભાગી જવાનું અને પછી હીરા વેચી નવું જીવન શરૂ કરવાનું. બોલો છો ને મારી દીર્ઘદૃષ્ટિ શાબાશીને પાત્ર.’’
શેઠ કટાક્ષમાં બોલ્યા, ‘વાહ, શું દુરંદેશી છે. સૌથી પહેલાં આપણી સમૃદ્ધિ લૂંટાઈ જાય એવું વિચારવાનું શું કામ અને મને એક વસ્તુ સમજાવો શેઠાણીજી કે જો ભાગ્ય ફરે બધું જ લુંટાઈ જાય તો પછી આ છાણાં આપણી પાસે વધશે ખરાં?’’ શેઠાણી ચૂપ થઈ ગયાં. શેઠે કહ્યું, ‘‘શેઠાણી આપણું ભાગ્ય, પુરુષાર્થ, હૃદયમાં વસેલું આત્મબળ અને આત્મવિશ્વાસ જ આપણી સાચી સમૃદ્ધિ છે. આ હીરા, મોતી, પૈસામાં તમને સમૃદ્ધિ દેખાય છે પરંતુ જો સાચે જ ભાગ્ય રૂઠશે તો હીરા, મોતી, પૈસા કે હીરા ભરેલાં છાણાં નહીં બચે કે નહીં બચાવી શકીએ પણ આપણો આત્મવિશ્વાસ જ આપણી સાચી મૂડી છે. જયારે સમૃદ્ધિ નહીં બચાવી શકે પણ આત્મવિશ્વાસ આપણને આગળ લઈ જઈ શકશે.’’શેઠાણી સમજી ગયાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.