Columns

સાચી ખુશીનું સરનામું

એક અપ ટુ ડેટ યુવાન, મોંઘી ગાડીમાંથી ઊતર્યો અને સંત પાસે આવ્યો અને પ્રણામ કરી તેમના પગ પાસે બેસી ગયો. કંઈ પૂછી ન શક્યો પણ તેનો ચહેરો જોઇને સંત સમજી ગયા કે તેના મનમાં ઘણી ગડમથલ ચાલી રહી છે.થોડી વાર તે કંઈ બોલે તેની રાહ જોયા બાદ સંતે પૂછ્યું, ‘યુવાન, શું મૂંઝાય છે? કંઈ પૂછવું છે?’ યુવાને ધીમેથી કહ્યું, ‘સંતશ્રી, ભગવાનની દયાથી મારી પર લક્ષ્મી કૃપા છે, મારો બિઝનેસ પણ બરાબર ચાલે છે.

હું સમાજમાં ઘણી શાખ ધરાવું છું. રૂપિયા, પૈસા, માન, સન્માન,પરિવાર પ્રેમ, સુખ સગવડનાં સાધનો બધું જ છે છતાં મારા મનને સાચી ખુશીની અનુભૂતિ થતી નથી.મારે જાણવું છે કે સાચી ખુશી કયાં,ક્યારે અને કેવી રીતે મળે?’ સંત બોલ્યા, ‘યુવાન, શું તને બિઝનેસમાં નફો થાય તો મનમાં એમ થાય છે કે હજી મોટો વેપાર કરી હજી વધુ નફો મેળવું? શું તું તારી પત્નીને હીરાનો હાર ભેટ આપે તો તારા મનમાં એમ હોય છે કે તે તને વધુ પ્રેમ કરે? તારાં બાળકોને જયારે તું એમની મનગમતી વસ્તુઓ અપાવે તો તને થાય છે કે તેઓ તને દુનિયાનો બેસ્ટ ફાધર માને? જયારે સમાજમાં તું દાન આપે કે અન્યને મદદ કરે ત્યારે તને મનમાં વધુ માન મેળવવાની ઈચ્છા હોય છે?’ યુવાને ઈમાનદારીથી કહ્યું, ‘હા સંતશ્રી, આપ તો એકદમ અંતર્યામી છો.

જે કહો છો તે સાચું છે. કંઈક આપીએ તો સામે કંઈક મેળવવાની ઈચ્છા તો દરેક માનવ મનમાં હોય જ ને…શું એમાં કંઈક ખોટું છે? શું મારી કોઈ ભૂલ છે?’ સંત બોલ્યા, ‘ના, એવી કોઈ ભૂલ તો નથી પણ સાચી ખુશીની અનુભૂતિ ન થવાનું કારણ ચોક્કસ છે.હવે તારા પ્રશ્નનો જવાબ આપું છું.મારી વાત ધ્યાનથી સાંભળજે અને સમજજે કે સાચી ખુશી કયાં છે, ક્યારે અને કેવી રીતે મળે?’ યુવાન જવાબ જાણવા આતુર બન્યો. સંત બોલ્યા, ‘સાચી ખુશી એમાં છે જ્યારે તમને બદલામાં કંઈ જ મેળવવું ન હોય અને તમે બધું જ આપી દેવા તૈયાર હો. તમે આપવા માંગો છો પણ સામે કંઈ જ મેળવવા ઇચ્છતા નથી ત્યાં સાચી ખુશી છે.

જયારે કંઈક આપીને સામે કંઈક મેળવી લેવાની ઇચ્છા અને જરૂરિયાત જ મનમાં ન રહે ત્યાં સાચી ખુશી રહેલી છે.જે ક્ષણે કંઈક મેળવીને નહિ માત્ર આપીને ખુશી મળે તે સાચી ખુશી છે.યુવાન તું મનની ગડમથલ છોડ.  માત્ર કંઈક મેળવવાની ઈચ્છા છોડીને આપવાની શરૂઆત કર, પ્રેમ આપ, લાગણી આપ, માન આપ, મદદનો હાથ આપ, દાન આપ, બસ કંઈક મેળવવાની ઈચ્છા છોડી આપતો રહે. તને સાચી ખુશીની અનુભૂતિ ચોક્કસ થશે.’ સંતે સાચી ખુશીનું સરનામું યુવાનને સમજાવ્યું.

Most Popular

To Top