Devgadh baria

સાગતાળા પોલીસે ઈકો ગાડીમાંથી રૂ.6.43 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગર વોન્ટેડ

મધ્યપ્રદેશ-ગુજરાત બોર્ડર વિસ્તારમાં ફરી દારૂની હેરાફેરી સક્રિય બનતી જોવા મળતા સાગતાળા પોલીસ પણ એક્શન મોડમાં

દેવગઢ બારીયા : દાહોદ જિલ્લાના સાગતાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પંચીયાસાણ ગામ નજીક આવેલી ચેક પોસ્ટ પર સાગતાળા પોલીસે દારૂના કાળા ધંધા પર જોરદાર પ્રહાર કર્યો છે. મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપીને પોલીસે રૂ.6.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશન અને બુટલેગરો સામે સતત કડક કાર્યવાહી ચાલી રહી છે. જેના ભાગરૂપે સાગતાળા પોલીસ સ્ટેશનના પી.આઈ. જી.બી. પરમારની આગેવાનીમાં પંચીયાસાણ ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરાયું હતું.
પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે મધ્યપ્રદેશના અલીરાજપુર તરફથી પંચાયત ગામ તરફ આવી રહેલી ઇકો ગાડી નંબર GJ-17-BN-2303 ને રોકી તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 180 બોટલો (180 મી.લી.) મળી આવી હતી.
ઝડપાયેલ દારૂની કિંમત રૂ.3,43,200/- તથા ગુનામાં વપરાયેલી ઇકો ગાડીની કિંમત રૂ.3,00,000/- હોવાનું બહાર આવ્યું છે. આમ કુલ રૂ.6,43,200/- નો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.
આ કેસમાં રાજેન્દ્રભાઈ કલાભાઈ બારિયા (રહે. ભૂતપાગલા, તા. દેવગઢ બારીઆ) અને ઈશુભાઈ પુનાભાઈ તોમર (રહે. કાકડવા, તા. ફતેહપુર, જી. અલીરાજપુર, મ.પ્ર.) સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી પોલીસે તેમની ધરપકડ માટે તપાસ તેજ કરી છે.

Most Popular

To Top