ફતેગંજ કલ્યાણ નગર એફોર્ડેબલ હાઉસિંગ યોજનામાં નિયમભંગ, તંત્રના ચેકિંગથી માલિકોમાં ફફડાટ

વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કલ્યાણ નગરમાં સરકારી યોજના હેઠળ બનેલા એફોર્ડેબલ હાઉસિંગના આવાસો તેના મૂળ માલિકો દ્વારા ગેરકાયદેસર રીતે ભાડે આપી દેવામાં આવ્યા હોવાની માહિતી મળતા જ મહાનગરપાલિકાના તંત્રએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ અચાનક ચેકિંગના પગલે સ્થાનિક રહેવાસીઓ અને ગેરકાયદેસર રીતે મકાન ભાડે આપનારા માલિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફતેગંજ કલ્યાણ નગર વિસ્તારમાં સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે એફોર્ડેબલ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જોકે, પાલિકા તંત્રને એવી ફરિયાદો મળી હતી કે કેટલાક લાભાર્થીઓએ આ મકાનોને પોતાનું રહેઠાણ બનાવવાને બદલે તેને રોકાણનું સાધન બનાવી દીધું છે અને ઊંચા ભાડા વસૂલીને ભાડે આપી દીધા છે, જે સરકારી યોજનાના નિયમોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે.
આ ગેરરીતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમે આ મકાનો ખાતે સઘન ચેકિંગ અને તપાસની કાર્યવાહી શરૂ કરી હતી.
પાલિકાની ટીમ દ્વારા આવાસ યોજનાના મકાનોમાં ડોર-ટુ-ડોર તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, જે મકાનો ભાડેથી આપવામાં આવ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું, તેના મૂળ માલિકોને તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી. આ નોટિસો દ્વારા પાલિકાએ મકાન ભાડે આપવાના મામલે જવાબ માગ્યો છે. જો માલિકો સંતોષકારક જવાબ નહીં આપે તો તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સરકારી આવાસોનો મૂળ હેતુ જરૂરિયાતમંદ પરિવારોને રહેઠાણ પૂરું પાડવાનો છે, ત્યારે રોકાણના ઇરાદે મકાનો ભાડે આપી દેવાની આ ગેરરીતિ સામે તંત્રની લાલ આંખથી કલ્યાણ નગર વિસ્તારના મકાન માલિકોમાં ફફડાટ ફેલાયો છે.