Godhra

સસરાનો જીવ બચાવવા જતાં પુત્રવધૂનું વીજ કરંટથી કરૂણ મોત

શહેરા તાલુકાના ઉમરપુર ગામમાં શોકનો માહોલ, સસરાની હાલત ગંભીર


ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉમરપુર ગામે અત્યંત હૃદયદ્રાવક અને ગમગીન ઘટના બની, જેમાં પોતાના સસરાને વીજ કરંટમાંથી ઉગારવા જતાં 40 વર્ષીય પુત્રવધૂનું કરૂણ મોત નીપજ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગામના રહેવાસી રયજીભાઈ રવિવારે વહેલી સવારે પોતાના ઘર નજીક દાતણ તોડી રહ્યા હતા, તે સમયે ઘર પાસેથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઈન ખૂબ નજીક હોવાથી અચાનક તેમનો હાથ વાયરને અડી ગયો હતો. પ્રચંડ વીજ કરંટ લાગવાને કારણે રયજીભાઈ જમીન પર પટકાઈને તરફડવા લાગ્યા હતા. આ દૃશ્ય જોતા જ તેમની પુત્રવધૂ સુશીલાબેન એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર સસરાને બચાવવા માટે દોડી આવ્યા હતા. તેમણે રયજીભાઈને વાયરથી દૂર ખેંચવાનો પ્રયાસ કર્યો, પરંતુ કરંટનો પ્રવાહ એટલો જોરદાર હતો કે સુશીલાબેન પોતે પણ તેની ઝપેટમાં આવી ગયા હતા.

ગામલોકોએ તાત્કાલિક લાકડાં અને અન્ય વસ્તુઓની મદદથી બંનેને કરંટથી અલગ કર્યા હતા અને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ સુશીલાબેનને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, ગંભીર રીતે દાઝી ગયેલા રયજીભાઈ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બે બાળકોની માતા અને પરિવારની આધારસ્તંભ ગણાતી સુશીલાબેનના અચાનક નિધનથી પરિવાર પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર ઉમરપુર ગામમાં શોકની લહેર ફરી વળી છે. અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ગ્રામજનોએ આ બહાદુર મહિલાને ભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ ઘટનાને પગલે રહેણાંક વિસ્તારોમાં હાઈટેન્શન લાઈનોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે અને ગ્રામજનોએ વીજ વિભાગ પાસે આ મામલે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

રિપોર્ટર : આશિષ બારીયા

Most Popular

To Top