70% શિક્ષકો ગેરહાજર રહેતા ઘણી શાળાઓમાં માંડ 30% સ્ટાફથી ચાલે છે ક્લાસ : ગુણવત્તા જોખમાઈ
નગર પ્રાથમિકના કુલ 1150 શિક્ષકો પૈકી 550 શિક્ષકો BLOની ફરજમાં વ્યસ્ત :
( પ્રતિનિધી )વડોદરા,તા.22
વડોદરા ચૂંટણી સંબંધિત BLOની કામગીરીને કારણે વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં બાળકોના અભ્યાસ પર ગંભીર અસર પડી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે. સમિતિના કુલ 1150 શિક્ષકોમાંથી આશરે 550 જેટલા શિક્ષકો BLOની કામગીરીમાં વ્યસ્ત હોવાને કારણે નિયમિત શિક્ષણ કાર્ય ખોરવાઈ ગયું છે.

વડોદરા નગર પ્રાથમિકની ઘણી શાળાઓમાં 70% જેટલા શિક્ષકો ચૂંટણીની ફરજમાં વ્યસ્ત છે. આ પરિસ્થિતિને કારણે કેટલીક શાળાઓમાં માંડ 30% સ્ટાફ જ ઉપલબ્ધ છે. એક જ શિક્ષકને એકથી વધુ ધોરણો કે વર્ગો સંભાળવાની ફરજ પડી રહી છે, જેનાથી શિક્ષણની ગુણવત્તા જળવાતી નથી અને બાળકોનું ભણતર ખોરવાઈ રહ્યું છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો માટે શિક્ષણ એ પ્રાથમિક ફરજ હોવા છતાં, ચૂંટણી આયોગની સૂચના મુજબ આ શિક્ષકોને મતદાર યાદી સુધારણા અને અન્ય BLO સંબંધિત કાર્યોમાં જોડાવું પડે છે. જોકે, ચૂંટણીલક્ષી કામગીરીના કારણે શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર થઈ રહેલી નકારાત્મક અસર ચિંતાનો વિષય બની છે. શિક્ષણ પર પડેલી આ અસરને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે.

તેમનું કહેવું છે કે નિયમિત શિક્ષણ ન મળવાને કારણે બાળકોના અભ્યાસક્રમ પર અસર થશે અને તેનું નુકસાન ભવિષ્યમાં ભોગવવું પડશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે તાત્કાલિક કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા BLOની કામગીરીનો સમય શાળા સમય પછી રાખવામાં આવે તેવી માગણી વાલીઓ અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતો કરી રહ્યા છે. ચૂંટણી ફરજ આવશ્યક છે, પરંતુ રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રએ શિક્ષણના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષકોની અછત પૂરી પાડવા અને બાળકોનો અભ્યાસ ન ખોરવાય તે માટે નક્કર પગલાં લેવા અનિવાર્ય છે.
