Bharuch

સરપંચના પતિનું ખૂની કાવતરૂં : ટ્રકથી કચડાવી રાજકીય વિરોધીની હત્યા કરાવી

હત્યાને અકસ્માતમાં ખપાવાનો પ્રયાસ નિષ્ફળ, ત્રણ આરોપીઓને ઝડપાયા

ઝઘડીયામાં રાજકારણને રકતરંજીત બનાવનાર રણજીત વસાવા ફરાર
ભરૂચ, તા.16
ઝઘડીયા તાલુકાના શિયાલી ગામે બનેલી ચકચારી ઘટનાનો ભેદ ભરૂચ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખતા ચોંકાવનારૂં સત્ય બહાર આવ્યું છે. બાઈક સવારને ટ્રકે કચડી મારવાનો તાજેતરનો બનેલ બનાવ પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત જણાતો હતો, પરંતુ હકીકતમાં તે રાજકીય કિન્નાખોરી રાખી પૂર્વ આયોજિત ખૂન હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે.


ગત તા. 13 ઓગષ્ટની સવારે શિયાલીથી બાંડાબેડા ત્રણ રસ્તા નજીક ટ્રક નંબર GJ-16-W-9345ના ચાલકે બજાજ બોક્સર મોટરસાયકલ પર જઈ રહેલા ભોગીલાલ પરભુભાઈ વસાવા પર જાણી-જોઈને ટ્રક ચઢાવી દીધી હતી. જેના પગલે ગંભીર ઈજાઓ થતાં ભોગીલાલનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બાદમાં ટ્રક ચાલક ટ્રક લઇને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે મૃતકની પત્નીએ ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલીસ મથકે ગુનો નોંધાવી આ અકસ્માત નહિં પણ મારા પતિની હત્યા કરાઈ હોવાના આક્ષેપો કર્યા હતા.


ઘટનાની ગંભીરતા તથા શંકાસ્પદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાત્કાલિક ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલીસ સહિત LCBને ગુનાનો ભેદ ઉકેલવા આદેશ આપ્યો હતો.
LCB પી.આઈ. એમ.પી.વાળા સહિતના સ્ટાફે ઝઘડીયા જી.આઈ.ડી.સી. પોલીસ સાથે મળી કેસ ઉકેલવાની તજવીજ કરતા ઘટના સ્થળની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ એકત્ર કર્યા હતા અને સાક્ષીઓની પૂછપરછ હાથ ધરી. તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જાણવા મળ્યું કે ટ્રકનો ડ્રાઇવર સુનિલભાઈ નાનુભાઈ વસાવા (રહે. હરિપુરા) હતો. પોલીસે તેને ઝડપી તેની વિશિષ્ટ રીતે પૂછપરછ કરતાં તમામ ઘટનાનો પર્દાફાશ થયો હતો.
સુનિલભાઈએ કબૂલ્યું કે, પત્ની શિયાલી ગ્રામ પંચાયતના સરપંચના પતિ રણજીતભાઈ રતિલાલ વસાવા સહિતનાઓએ પોતાના રાજકીય વિરોધી ભોગીલાલ વસાવાને માર્ગમાંથી હટાવવા કાવતરું ઘડી કાઢ્યું હતું. જેના ભાગરૂપે તા.13 ઓગસ્ટની વહેલી સવારે રણજીતભાઈના ઇશારે સુનિલે ટ્રક ભોગીલાલ પર ચઢાવી દીધી હતી. ઘટના બાદ પુરાવા નષ્ટ કરવાનો પણ પ્રયાસ કરાયો હતો. જેમાં ધરોલી ગામે વૈદિકા ટ્રેડર્સ ખાતે કામ કરતા આરોપી દિલીપભાઈ જાલમસિંહ વસાવા ઉર્ફે ડી.જે. અને નિપુલભાઈ રમેશભાઈ વસાવાએ ઓફિસના CCTV ફૂટેજ ડિલીટ કરી ગુનેગારોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.


સઘન તપાસ અને પૂછપરછના અંતે પોલીસે સુનિલભાઈ નાનુભાઈ વસાવા (હરીપુરા), દિલીપભાઈ જાલમસિંહ વસાવા (ગ્રીનવીલા સોસાયટી, વાલીયા) અને નિપુલભાઈ રમેશભાઈ વસાવા (ગ્રીનવીલા સોસાયટી, વાલીયા) — આ ત્રણેય આરોપીઓની ધરપકડની કાર્યવાહી કરી હતી, જ્યારે મુખ્ય સૂત્રધાર રણજીતભાઈ રતિલાલ વસાવા (રહે. બાંડાબેડા, તા. વાલીયા) હજુ વોન્ટેડ છે.
આ હત્યાનો હેતુ સ્પષ્ટપણે રાજકીય કિન્નાખોરી હતો. મૃતક ભોગીલાલ રણજીતભાઈના ઘોર રાજકીય વિરોધી હતા. તેથી દુશ્મનાવટ રાખી રણજીતે ખૂન કરાવ્યું અને તેને અકસ્માતનો પરિવેશ આપી, પુરાવાનો નાશ કરી આખા ખૂનીખેલને દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281, 105 તથા મોટર વ્હીકલ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

Most Popular

To Top