વડોદરા પાલિકાના સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળતા ભારે હંગામો મચ્યો હતો. ચોમાસાની શરૂઆત થતાં જ ઠેર ઠેર સરીસૃપ નીકળી રહ્યા છે, ત્યારે સરદારબાગ સ્વિમિંગ પુલમાંથી સાપ નીકળતા સ્વિમરો પાછા ફર્યા હતા. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા સ્વીમીંગપુલ માંથી સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, વરસાદી માહોલમાં જળસર્પ બહાર આવી જતા હોય છે, ત્યારે આજરોજ શહેરના વડીવાડી વિસ્તારમાં સરદારબાગ સ્વીમીંગ પુલમાંથી સાપ મળી આવ્યો હતો. જેના કારણે આજે સ્વિમરોને પાછું ફરવું પડ્યું હતું. જે અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના સભ્યો તાત્કાલિક સરદારબાગ સ્વીમીંગપુલ ખાતે પહોંચી ગયા હતા અને લગભગ અડધો કલાકની જહેમત બાદ ચેકડ કિલબેક નામનો સાપ જે મીઠા પાણીનો હોય છે તેમજ બિન ઝેરી હોય છે તેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કરેલ સાપને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.