સયાજી હોસ્પિટલમાં નવીન બિલ્ડીંગ કન્સ્ટ્રકશન સાઈટ પર ભર બપોરે મજૂરો કામ કરતા નજરે પડ્યા
બાંધકામ તથા કન્સ્ટ્રક્શન સાઈડ ઉપર બપોરે 1 થી 4 ના સમયગાળા દરમિયાન મજૂરો તથા કામદારો પાસે કામ નહીં કરાવવાના સરકારના પરિપત્ર બાદ પણ સયાજી હોસ્પિટલ માં નવીન બિલ્ડીંગના કન્સ્ટ્રક્શન ખાતે બપોરે કામદારો કામ કરતા નજરે પડતા અનેક સવાલો ઊભા થયા છે.

હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. સાથે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ પડી રહેલી કાળઝાળ ગરમી અને હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા હીટ વેવ ની આગાહીના પગલે ગુજરાત સરકાર દ્વારા બાંધકામ અને કન્સ્ટ્રક્શન સાઇડ ઉપર કામ કરતા મજૂરો તથા કામદારોના હિતમાં પણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે આ પરિપત્રમાં બાંધકામ તથા કન્સ્ટ્રક્શન સાઇડ પર બપોરે 1 થી 4 ના સમયગાળા દરમિયાન મજૂરો તથા કામદારો પાસે કામ નહીં કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

જોકે સરકારના પરિપત્રનું સરકારના જ વિભાગમાં ઉલ્લંઘન થતું હોય તેમ સામે આવ્યું છે. વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં એક નવીન બિલ્ડીંગના બાંધકામ નું કામ ચાલી રહ્યું છે. જેમાં બપોરના સમયે પણ મજૂરો તેમજ કામદારો કામ કરતા નજરે પડ્યા હતા. સરકારના વિભાગમાં સરકારના પરિપત્રનો ઉલ્લંઘન થઈ રહ્યું છે. ત્યારે એવા સવાલો ઊભા થાય છે શું અહીંના કોન્ટ્રાક્ટર સરકારના પરિપત્રને ગોળીને પી ગયા છે હોસ્પિટલના સત્તાધીશોને જાણ નહીં હોય આવા અનેક સવાલો આ બાબતે સામે આવ્યા છે.
