નેશનલ હાઇવે પર એપીએમસીની સામે એસઓજી પોલીસની રેડ
નાજુ ભરવાડ સહિત 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો
પ્રતિનિધિ વડોદરા તા.26
વડોદરાના સયાજીપુરા વિસ્તારમાં એસઓજી પોલીસની ટીમે દરોડો પાડીને ગેરકાયદે ધમધમતા મીની પેટ્રોલ પંપનો પર્દાફાશ કરી નાખ્યો હતો. જેમાં પંપ ચલાવનાર નાજુ ભરવાડ સહિતના 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઇ છે.
વડોદરા નેશનલ હાઇવે 48 પર એપીએમસી માર્કેટની સામે મિનાક્ષી પાર્કિંગની પડતર જગ્યામાં નાજુ ભરવાડ, રાહુલ તથા રાજુ ભરવાડ ભેગા મળીને પડરત જમીનમાં ગેરકાયદે પ્લાસ્ટિકની ટાંકી રાખી તેમાં ડીઝલ ભરી પંપ ચલાવે છે. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરી હતી ત્યારે જગ્યા પર મિની પેટ્રોલ પંપ મળી આવ્યો હતો અને જમીનમાં દાટેલી 3 હજાર લીટરની ટાંકી હતી જેમાં તપાસ કરતા 1344 લીટર ડીઝલ રૂ. 1 લાખ ઝડપાયું હતું. જેથી એસઓજીએ મિનિ પંપનો નોઝલ, પાઇપ, ઇલેકટ્રિક વાયર, રૂ. 50 હજાર, ટાંકી રૂ. 10 હજાર કુલ મળી રૂ. 1.62 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. એસઓજી દ્વારા ટાંકીમાંથી મળી આવેલુ પ્રવાહી ચેકિંગ કરવા માટે એફએસએલની ટીમે સ્થળ પર બોલાવી લીધી હતી. એફએસએલ દ્વારા પ્રવાહીના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલવામાં આવ્યું છે. નાજુ દેવા ભરવાડ, રાજુ દેવા ભરવાડ (બંને રહે. મારૂતીનગર, રામદેવપીર મંદિર પાસે, ન્યૂ વી.આઇ.પી. રોડ, વડોદરા), મિતેશ ભરત વસાવા (રહે. સયાજીપુરા ગામ, પટેલ ફળિયું, લુહાર ફળિયા પાસે, વડોદરા) , રાહુલ પ્રવીણ જમોડ (રહે. ગાંધીવાળી શેરી, પાળીયાદ ગામ, તા.બોટાદ ) ફૈઝલ ઉર્ફે મોન્ટુ અબ્દુલભાઇ મામટી (રહે. પાળીયાદ, બાબરકોટ, તા. બોટાદ) નરપતસિંહ મનુ સોલંકી (રહે. ઉચડી, તા. ધંધુકા, જી. અમદાવાદ) પ્રવીણભાઇ શામજીભાઇ મકવાણા (રહે. ખોડીયારનગર, ન્યૂ વી.આઇ.પી. રોડ, વડોદરા) સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્ર ગતિમાન કર્યા છે.