Entertainment

સૈયામી ખેર હજુઠેરની ઠેર!

સૈયામી ખેર અને અનુપમ ખેર વચ્ચે સમાનતા ‘ખેર’ અટકની છે પણ અનુપમ કાશ્મીરી છે અને સૈયામી મહારાષ્ટ્રીયન છે. અનુપમને માથે ટાલ છે ને સૈયામીને ઘુંઘરાળા બાલ છે. મતલબ કે બેઉને સાથે યાદ કરવાનું કારણ નથી પણ ઠીક છે, યાદ કરીએ તો વાંધો નહીં. બાકી સૈયામીએ ‘રે’ નામની તેલુગુ ફિલ્મથી કારકિર્દીનો આરંભ કરેલો અને તેમાં તે હીરોઈન હતી. સૈયામીને હીરોઈન જ થવું હતું. એટલે રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘મિર્ઝીયા સાહિબાન’માં તે સાહિબાન બનેલી. ‘મિર્ઝા સાહિબા’ લવસ્ટોરી આધારે 14-15 જેટલી ફિલ્મો બની ચૂકી છે. એટલે વિષય તરીકે તો સારી જ કહેવાય, પણ સૈયામીની એ ફિલ્મ નિષ્ફળ ગયેલી, બસ ત્યારથી એ જરા પોતાની તકદીર સંવારવામાં બેઠી છે. હિન્દીમાં તેની ત્રણ ફિલ્મ પછી ‘શર્માજી કી બેટી’ આવી પણ ઉષાકિરણના દીકરાની બેટી સાબિત થવું બાકી છે.
સૈયામીને યુવાન હીરો વધારે ફાવે છે કે પ્રૌઢ હીરો? તેલુગુમાં તેની ‘વાઈલ્ડ ડોગ’ ફિલ્મ આવી હતી જેનો હીરો નાગાર્જુન હતો. નાગાર્જુન 64 વર્ષનો અને સૈયામી 31 વર્ષની ખેર! અત્યારે સની દેઓલ સાથે એક ખૂબ જ મહત્ત્વાકાંક્ષી ફિલ્મમાં આવી રહી છે અને સની અત્યારે 66 વર્ષનો છે. સૈયામી પ્રૌઢ હીરોની ફેવરિટ થતી જશે તો સલમાન, શાહરૂખ, આમીર, અક્ષય કુમાર, અજય દેવગણ વગેરે ઊભા જ છે. અત્યારે નવોદિત હીરો ઓછા અને સિનીયર સ્ટાર સફળતાની વધુ ગેરંટી આપે છે. એટલે સૈયામીએ શાણપણ દાખવ્યું લાગે છે.
તે આ પહેલાં ‘ઘૂમર’માં આવેલી ત્યારે પણ અભિષેક બચ્ચન હીરો હતો. જો જાણીતા હીરો સાથે કામ ન કરે તો રોશન મેથ્યુ, હર્ષવર્ધન કપૂર, ગુલશન દેવૈયા વગેરે સાથે કામ મળે છે. પરંતુ તે હવે વધુ આશા રાખી શકે છે. કારણકે અનુરાગ કશ્યપ અને નિરજ પાંડેએ સૈયામીને લઈને ફિલ્મ વિચારી છે. ‘અગ્નિ’ નામની ફિલ્મમાં તે પ્રતીક ગાંધી સાથે આવે છે અને તે રાહુલ ધોળકિયાના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ છે. સૈયામી પોતાના ગંતવ્યને પામી લેશે કારણ કે તે સારી ભૂમિકાઓ પસંદ કરે છે. બાકી તેને ખબર છે કે ઉષા કિરણની પૌત્રી હોવા માત્રથી લોકો તેની ફિલ્મ જોવા દોડી આવવાના નથી. ‘શર્માજી કી બેટી’ માટે આવનારો સમય છે. •

Most Popular

To Top