Vadodara

સમા વિસ્તારમાં બેરિકેડ તોડી કાર ડ્રેનેજના ખાડામાં ઘૂસી

સમાના ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે કાર ચાલકે સર્જ્યો અકસ્માત

(પ્રતિનિધિ), વડોદરા. તા.21

વડોદરામાં રસ્તાઓ હવે નિર્દોષ નાગરિકો માટે જોખમી બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના સમા વિસ્તારમાં આવેલા ઐયપ્પા ગ્રાઉન્ડ પાસે એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જતા સમગ્ર પંથકમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

યુવાનો ફૂલ સ્પીડે કાર ચલાવી નાગરિકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. મળતી માહિતી મુજબ, સમા ઐયાપા ગ્રાઉન્ડ પાસે ડ્રેનેજ નાખવાની કામગીરી ચાલી રહી હોવાથી રસ્તા પર સુરક્ષાના ભાગરૂપે બેરિકેડ્સ મુકવામાં આવ્યા હતા. દરમિયાન, પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર ચાલકે પહેલા એક ટેમ્પાને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે, અને ત્યારબાદ રોડ સાઈડમાં મુકેલા બેરિકેડ્સ તોડીને કાર સીધી ડ્રેનેજના ઊંડા ખાડામાં ઉતારી દીધી હતી.

અકસ્માતનો પ્રચંડ અવાજ આવતા જ આસપાસના રહીશો અને રાહદારીઓના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કારની ઝડપ વધુ હોવાથી કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. સદનશીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ કારમાંથી બહાર નીકળેલ યુવાન નશામાં હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. કાર ચાલક ખરેખર નશામાં હોતો કે કેમ એતો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે. પરંતુ આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

ઘટનાની જાણ થતા જ સમા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર યુવાનની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર પોલીસ તંત્રની ‘ડ્રાઈવ’ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

શું પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ છે ? વારંવાર સર્જાતા આવા અકસ્માતો છતાં પોલીસ કેમ કોઈ કડક વલણ અપનાવતી નથી ? સ્થાનિકોનું કહેવું છે કે, આજે તો કાર ખાડામાં પડી પણ જો કોઈ રાહદારી વચ્ચે આવ્યો હોત તો મોટું અનર્થ સર્જાત. આવા નબીરાઓને કાયદાનો કોઈ ડર રહ્યો નથી. શહેરમાં વધતા જતા આવા કિસ્સાઓને કારણે સામાન્ય જનતામાં ભયનો માહોલ છે. હવે જોવાનું એ રહે છે કે વડોદરા પોલીસ આ મામલે કેવા કડક પગલાં ભરે છે જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો ભોગ ન લેવાય.

Most Popular

To Top