સમા પોલીસે રહેણાંક મકાનમાં રેડ કરી કેરિયરને દબોચ્યો, 36 હજારનો ગાંજો અને મોબાઈલ મળી 46 હજારનો મુદ્દામાલ કબજે
વડોદરા તારીખ 24
વડોદરા શહેરના સમા વિસ્તારની સોસાયટીના મકાનમાં પોલીસે રેડ કરી હતી. ત્યારે રહેણાંક મકાનમાંથી કેરિયર રૂપિયા 36 હજારના ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે ગાંજો સપ્લાય કરનાર શખ્સને વોન્ટેડ જાહેર કરાયો છે.

વડોદરા શહેર પોલીસ દ્વારા તાજેતરમાં અલગ અલગ વિસ્તારોમાં ગાંજો તથા એમ.જી ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનું છુપી રીતે વેચાણ કરનાર કેરિયર તથા પેડલરો સામે સપાટો બોલાવવામાં આવી રહ્યો છે. દરમિયાન 23 નવેમ્બરના રોજ સમા પોલીસ તેમના હદ વિસ્તારમાં નાર્કોટીક્સની પ્રવૃતિ સાથે સંકળાયેલા શકમંદો ઉપર વોચ રાખીને સતત પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન જીવાયું દિપકકુમાર જબ્બરસિંગને બાતમી મળી હતી કે સમા નહેરૂનગર ફતેહબાગ સોસાયટી મ.નં.36માં રહેતા ભરત પ્રતાપસિંહ ચૌહાણે પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખ્યો છે અને છૂટકમાં વેચાણ કરે છે. જેના આધારે સમા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી. ત્યાંરે ભરત પ્રતાપસિંહ ચૌહાણ (રહે. મ.નં. 36 નહેરૂનગર, ફતેહબાગ સોસાયટી પાસે સંજયનગર સમા વડોદરા શહેર) ઝડપાઈ ગયો હતો. કેરિયરને સાથે રાખી ઘરમાં તપાસ કરી હતી. ત્યારે ગેરકાયદે સંતાડી રાખેલો રૂપિયા 36 હજારનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે બાબતેની પુછપરછ કરતા આરોપી હરીશ ઉર્ફે કાંતી માછી ગાંજો આપી જાય છે તેવુ જણાવ્યુ હતું. જેથી કેરિયર પાસેથી ગાંજાનો જથ્થો 725 ગ્રામ રૂા.36 હજાર અને એક મોબાઇલ મળી રૂ.46 હજારનો મુદામાલ કબ્જે કરાયો છે. જ્યારે ગાંજા ની ડિલિવરી આપી જનારને વોન્ટેડ જાહેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેરિયર વિરુદ્ધ સમય પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ચાર એનડીપીએસના ગુના નોંધાયેલા છે.