રૂ. 74.30 લાખનો મુદ્દામાલ રિકવર
વડોદરા, તા. 9
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ઉત્તરાયણના દિવસે બંધ મકાનમાં થયેલી રૂ. 18 લાખની ઘરફોડ ચોરીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. પ્રોફેશનલ કપડા પહેરી પહેલા રેકી કર્યા બાદ ચોરીને અંજામ આપનાર રાજસ્થાનના બે રીઢા ચોરોને છાણી ફર્ટિલાઇઝર બાયપાસ બ્રિજ પાસેથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, રોકડ અને અન્ય સામાન મળી કુલ રૂ. 74.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે વડોદરા શહેરમાં થયેલી કુલ ચાર ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, 14 જાન્યુઆરીના રોજ ન્યુ સમા રોડ સ્થિત નંદનવન સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ ઇન્ટરલોક અને અન્ય તાળાં તોડી પ્રવેશ કર્યો હતો. બેડરૂમમાં રહેલા કબાટ અને તિજોરીમાંથી રોકડ રૂ. 4 લાખ, ટાઇટન કંપનીની ચાર કાંડા ઘડિયાળ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 18 લાખની મત્તાની ચોરી કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
ઘટનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને સમા પોલીસે CCTV ફૂટેજ, ટેકનિકલ તથા હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોરી સમયે પ્રોફેશનલ પહેરવેશમાં આવેલા બે શખ્સોની ઓળખ પ્રહલાદ ઉર્ફે પ્રદીપ કિશનલાલ દધીચ અને તેનો સાગરીત સુરેશ દેવનારાયણ સેન (બન્ને મૂળ જોધપુર, રાજસ્થાન – હાલ મુંબઈ) તરીકે થઈ હતી. માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચે છાણી ફર્ટિલાઇઝર બાયપાસ બ્રિજ પાસેથી બંનેને ઝડપી લીધા હતા.
પુછપરછ દરમિયાન આરોપીઓએ ન્યુ સમા રોડ તથા નિઝામપુરા વિસ્તારમાં અગાઉ પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આ કેસમાં સમા પોલીસ સ્ટેશનના ત્રણ અને ફતેગંજ પોલીસ સ્ટેશનના એક એમ કુલ ચાર ઘરફોડ ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે. આરોપીઓ સામે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.