(મો)ડર્ન (બા)ળકોની (ઇ)લેક્ટ્રોનિક (લ)ત અને વાલીના સમસ્યા રૂપ પ્રશ્નો એટલે મોબાઈલ. અભ્યાસમાં એક ઉત્કૃષ્ટ પરિણામની ભેટ અને ભેટ બાદ અભ્યાસમાં અધોગતિ સુધીની સફરમાં વાલી આજે એક કોમન સમસ્યાથી પરેશાન છે. સામાન્ય શિક્ષક – વાલી મિટિંગમાં સૌથી મોટી ફરિયાદ અને ચર્ચા વિમર્શનો મુદ્દો આજે મોબાઇલનો છે. ઉપાયો, સલાહ, સૂચનો બાદ અનુકરણ અને સમસ્યા નિવારણના પ્રયત્નમાં બાળકોના મનોવલણ, સ્વભાવમાં પરિવર્તનથી ઊભા થતા ડરની સામે વાલી હારે છે. જે આવી કોઈ સમસ્યાથી પીડિત નથી એમને બાદ કરતા મોબાઈલ પ્રત્યેનો આપણો અભિગમ થોડો બદલીએ તો? સૌ પ્રથમ તો સ્વીકારી લઈએ કે હવે મોબાઈલમાં આજ, કાજ અને સમાજ છે. બસ ન્યાયપૂર્વક ઉપયોગ અને અવલોકન કરીએ.૧. માત્ર મનોરંજન કે સોશિયલ મીડિયા નહીં પણ શૈક્ષણિક, સામાજિક વિષયાર્થને પ્રાધાન્ય આપીએ. ૨. સ્ક્રીન, ભણતર, અધ્યાત્મ, યોગ તેમજ રોજિંદી ક્રિયાઓમાં સંતુલન જાળવીએ. ૩. મેઇલ, કમ્પાસ, ડ્રાઈવ, કિપ નોટ્સ, વેધર જેવા સોફ્ટવેરોના ઉપયોગ ગુણવિશેષને સમજીએ. ૪. ટાઈપિંગ (લેખન, લિસ્ટનિંગ (બોલવું), વાંચન (ઓનલાઈન સમાચાર, પુસ્તકો, રસપ્રદ તથ્યો) કૌશલ્ય વિકસાવીએ. બસ આટલું જ નહીં પણ આથી વિશેષ ઘણું થઈ શકે! અંતે, એક ઉપકરણના ઉપયોગ પ્રત્યેની સભાનતા અને અભિગમ સૌથી વિશેષ બાબત છે.
વેસ્મા- શાહીદ જી. કુરેશી