Vadodara

સમગ્ર વડોદરા ખેલોત્સવના રંગે રંગાયું: સાંસદ ખેલ મહોત્સવનો ભવ્ય પ્રારંભ

ખેલો ઈન્ડિયા’ ઉદ્દેશન સાથે શહેરના અઢી લાખથી વધુ ખેલાડીઓનું નવતર સંકલ્પ, રમતો-ઉત્સાહ-એકતાનો મેળાપ

વડોદરામાં રમતોના મહાકુંભ સમાન સાંસદ ખેલ મહોત્સવ 2025નો ભવ્ય પ્રારંભ થયો હતો. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત આ ઉદ્ઘાટન સમારોહમાં શહેરના ખેલપ્રેમીઓ, યુવા પ્રતિભાઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી મનીષાબેને વકીલના વરદહસ્તે મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જ્યારે વડોદરા લોકસભા વિસ્તારના સાંસદ ડો. હેમાંગ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
જેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ’ખેલો ઈન્ડિયા’ અભિયાન દ્વારા રમતોને નવો આત્મવિશ્વાસ આપ્યો છે, તેમ વડોદરામાં પણ સાંસદ ખેલ મહોત્સવ યુવાનોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર કરી રહ્યો છે. સાંસદ ડો. હેમાંગ જોષીએ જણાવ્યું કે, રમતો માત્ર શરીરશક્તિ નહિ, પરંતુ એકતા અને રાષ્ટ્રીય ભાવનાનો પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે વડોદરા આખા વિસ્તારમાંથી અઢી લાખથી વધુ ખેલાડીઓએ સ્પર્ધાઓ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે શહેરના રમતપ્રેમી સ્વભાવનું પ્રતિબિંબ છે.
દોઢ મહિના સુધી ચાલનારા આ મહોત્સવમાં વિવિધ રમતો જેવી કે એથ્લેટિક્સ, બેડમિન્ટન, ક્રિકેટ, કબડ્ડી, ફૂટબોલ, હોકી, ટેબલ ટેનિસ સહિતની અનેક સ્પર્ધાઓ યોજાશે. શહેર અને ગ્રામ્ય બંને ક્ષેત્રોમાંથી ખેલાડીઓ પોતાના પ્રતિભાનો પરિચય આપશે. સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં યોજાયેલ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક રજૂઆત, તાલીમાર્થી ખેલાડીઓના પેરેડ અને પ્રેરણાદાયી કાર્યક્રમો યોજાયા હતા.
આ પ્રસંગે મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે વડોદરા માટે આ ખેલોત્સવ યુવાનોને તક આપવાનો એક મંચ છે. તેમની પ્રતિભાને યોગ્ય દિશામાં વપારવી એ સરકારનો હેતુ છે. કાર્યક્રમ દરમિયાન શહેરના અનેક ખેલસંસ્થાઓ, શિક્ષણ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા વીએમસીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જામેલી આ રમતોત્સવમય સવાર ખેલાડીઓ, સ્વયંસેવકો અને રમતપ્રેમીઓ માટે નવી પ્રેરણા બની હતી. વિવિધ વયજૂથના ભાગ લેનારાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેથી ખેલ, ઉત્સાહ અને એકતાનો અદભુત સંમેલ જોવા મળ્યો.

Most Popular

To Top