તંત્રની ઓચિંતી કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ; વૈકલ્પિક આવાસની ફાળવણી વિના જ ઘર વિહોણા કરાયાનો આક્ષેપ
વડોદરા: મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા શનિવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સન ફાર્મા રોડ પાસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટીપી રોડના અમલીકરણમાં અવરોધરૂપ બનતા જાદેશ્વર નગર યુએલસી કોલોની ના આશરે 10 થી 12 જેટલા મકાનોને પોલીસ બંદોબસ્ત સાથે તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની આ ઓચિંતી કાર્યવાહીને પગલે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ અને અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

મકાન ગુમાવનારા સ્થાનિક મહિલાઓએ રડતા રડતા આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “અમે અહીં છેલ્લા 35 વર્ષથી રહીએ છીએ. આ મકાનો અમને સરકાર તરફથી જ ફાળવવામાં આવ્યા હતા. 16 વર્ષ પહેલા પણ એકવાર તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ અમે ફરીથી અહીં વસવાટ કર્યો હતો. આજે સવારના સમયે અચાનક તંત્રની ટીમ ત્રાટકી હતી અને સામાન બહાર કાઢવાનો મોકો આપ્યા વિના જ તોડફોડ શરૂ કરી દીધી હતી.”

રહીશોનો મુખ્ય આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને કોઈ પણ પ્રકારની પૂર્વ સૂચના કે નોટિસ આપવામાં આવી નહોતી. વધુમાં, તેમને રહેવા માટે કોઈ વૈકલ્પિક આવાસ કે ઘરની ફાળવણી પણ કરવામાં આવી નથી. સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે, “નાના નાના બાળકો અને વહુઓ સાથે અમે ભરબપોરે ક્યાં જઈએ? અમને જો 2-3 દિવસની મુદત આપી હોત તો અમે અમારો સામાન સુરક્ષિત રીતે ખસેડી શક્યા હોત. તંત્રએ અમને મકાન આપ્યા નથી અને છતાં ઘર વિહોણા કરી દીધા છે.”

દબાણ શાખાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોને હટાવીને જેસીબી મશીન દ્વારા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને કારણે રસ્તા પર ઘરવખરીનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો અને અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા હતા.