આજના પોસ્ટ-ટ્રુથ યુગમાં સાચી અને ખોટી માહિતી વચ્ચે ભેદ કરવો અઘરો થઈ ગયો છે. આજે જ્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી એવા ભારતની અઢારમી સંસદીય ચૂંટણીની વચ્ચે આપણે ઊભા છીએ ત્યારે રાજકીય પક્ષો તેમજ મતદાતા બંનેના વલણ પરથી દેખાઈ રહ્યું છે કે નિર્ણય તથ્યના આધારે નહીં, પણ ભાવનાઓમાં તણાઇ માન્યતાને આધારે લેવાઇ રહ્યા છે. સત્ય-અસત્યને પાર જ્યારે લોકો મતદાન કરવા જશે ત્યારે નાગરિક જોગ કેટલાક મુદ્દા અંગે વિચાર કરવો ઘટે.
હજુ થોડાં વર્ષો પહેલાં જ અન્ના હજારેના કોલે આખો દેશ ભ્રષ્ટાચાર વિરુધ્ધ ભેગો થઈ ગયો હતો. સૌ ને લાગ્યું હતું કે ભ્રષ્ટાચારનો ભોરિંગ દેશની વ્યવસ્થામાં ઝેર ફેલાવી રહ્યો છે. જેને ફેલાતું રોકવું એ નાગરિક કર્તવ્ય જણાયું હતું. દિલ્હીના જંતર-મંતર પર હજારો લોકો અન્ના સાથે ઉપવાસમાં જોડાયા, સ્થળ પર જઈને ટેકો કર્યો, સહી કરી, કે પછી મિસ કોલ કરી પોતાનો સાથ નોંધાવ્યો.
બારેક વર્ષ પહેલાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો દેશનાં નાગરિકોની સામુહિક ચેતના જગાવી શકયો હતો અને સત્તા પરિવર્તન માટે નિમિત્ત બની શક્યો હતો એ આજે ફિક્કો પડી ગયો છે. આજે ઇલેક્ટોરલ બોન્ડ જેવા મોટા ભ્રષ્ટાચારને પણ અવગણવા લોકો તૈયાર છે. કોર્પોરેટ અને રાજકારણીઓ વચ્ચેની સાંઠગાંઠમાં વાંધાજનક કશું લાગતું નથી. ભ્રષ્ટ નેતાઓને ભાજપના વોશિંગ મશીનમાં ધોવાની નીતિ સામે આંખ આડા કાન કરીએ છીએ ત્યારે સવાલ થાય કે બાર વર્ષ પહેલાં જેને ભ્રષ્ટાચાર જ નડેલો એ નાગરિક ગણ આપણે જ ને? કે ભ્રષ્ટાચાર માટે ક્યારે સંવેદનશીલ બનવું અને ક્યારે નહીં એ પસંદગીનો વિષય છે?
સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ જે નાટકીય રીતે બિનહરીફ જાહેર થયા એ પાછળ ભ્રષ્ટાચારનો જે ભોરિંગ સૌએ જોયો એ વાંધાજનક ખરું કે નહીં? ઘટનાની સ્ક્રીપ્ટ લખનારા અને ભજવનારા બંને પક્ષ સુરતવાસીઓના ગુનેગાર ગણાય કે નહીં? અત્યાર સુધી હોર્સ ટ્રેડિંગ ચૂંટણીનાં પરિણામ આવે ત્યાર પછી થતું હતું. હવે, તો ઉમેદવારી નોંધાવતી વખતે જ શરૂ થઈ ગયું! ચૂંટણીને આઝાદીનું પર્વ કહેવામાં આવે છે કારણકે મતદાન સશક્તિકરણની પ્રક્રિયા છે. મત આપતી વખતે લોકશાહી એટલે ‘લોકો વડે ચાલતું’ શાસનની ભાવનાનો એક માત્ર અહેસાસ થાય છે.
સુરતનાં નાગરિકોનો તો એ હક્ક જ છીનવાઇ ગયો! સુરત જેવા મતક્ષેત્રમાં પરિણામ લગભગ નિશ્ચિત હતું ત્યાં આવા કારસાની શું જરૂર પડી હશે એ પ્રશ્ન વિચાર માંગી લે છે. ચૂંટણી પરિણામનું મહત્ત્વ માત્ર હાર કે જીત પૂરતું મર્યાદિત નથી હોતું. જીત થઈ તો કેટલી સરસાઈથી થઈ અને કેટલા ટકા મત જીતનારની તરફેણમાં ગયા એ પરિણામ પણ સમાજનો રાજકીય મૂડ બતાવે છે, જે જાણવો કોઈ પણ નેતા માટે જરૂરી છે.
ચૂંટણી સત્ય-અસત્યથી પર થઈ ચૂકી છે એનું બીજું ઉદાહરણ જોવા મળ્યું પ્રધાન મંત્રીના બાંસવાડા ખાતેના ભાષણમાં. પહેલા તબક્કાના મતદાનની તરાહ જોયા પછી ચૂંટણીના મુદ્દામાં કોમવાદ ફરી વાર કેન્દ્ર સ્થાને આવી ગયો અને તે પણ જૂઠના આધારે! આચારસંહિતાનો સરેઆમ છેદ ઉડાડી પ્રધાનમંત્રીએ મુસ્લિમ તુષ્ટિકરણની સાચી ખોટી વાતો કરી સભા ગજાવી. વિચારવાનું નાગરિકોએ છે કે જો ભૂતપૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંઘ 2006માં એવું બોલ્યા હોય કે દેશની સંપત્તિ પર પહેલો હક મુસલમાનોનો છે તો અઢાર વર્ષ સુધી મુદ્દો બન્યા વગર કેવી રીતે રહ્યો? જો એ સાચે જ એવું બોલ્યા હોત તો ભાજપે જ એ વાત ચગાવી હોત. પણ, આટલાં વર્ષો પછી આ વાત આવી કારણ કે નેતાઓ જાણે છે કે કોઈ સામાન્ય મતદાતાના મનમાં પ્રશ્ન થવાનો નથી અને તે વાતની ખરાઈ કરવા જવાનો નથી! મતદાતાઓને કોમવાદી બીકમાં ઉલઝાવી રાખવાની યુક્તિ હમેશાં કામ કરે છે અને લોકો રોજિંદા જીવનમાં નડતા પ્રશ્નો છોડી કાલ્પનિક ભયને મહત્ત્વ આપે છે.
સામાન્ય માણસને રોજે રોજ નડતાં રોજગારી અને મોંઘવારી જેવા મુદા્ઓ પર એક સમયે સત્તા બદલાતી હતી. આજે આસમાને અડી રહેલા શાકભાજીના ભાવ નડી તો રહ્યા છે, પણ એ હવે ચૂંટણી મુદ્દો નથી રહ્યો. ઘરમાં યુવાનો બેરોજગાર છે અથવા ઓછા પગારે નોકરી અને કોઈ સુરક્ષા વિનાની નોકરી કરી રહ્યા છે. આશરે સાડા નવ લાખ જેટલી તો સરકારી નોકરીમાં જ જગ્યા ખાલી છે પણ, એનો હલ નીતિ ઘડનારા પાસે નથી માંગી રહ્યા! આબોહવાના પરિવર્તનને કારણે જળ-વાયુની સમસ્યા સતત નડે છે પણ એમાં સરકાર શું કરશે એવું આપણને લાગે છે! મહિલાઓ વિરુધ્ધ થતી હિંસાના આંકડા વધી રહ્યા છે, પણ કહેવાતા ‘લવ જિહાદ’ના કિસ્સા જ આપણી ચેતનાને ઢંઢોળે છે.
મત આપવા તૈયાર સૌને યાદ દેવડાવવાનું મન થાય છે કે લોકશાહી એટલે માત્ર લોકોની અને લોકો માટેની જ નહીં પણ લોકો દ્વારા ચાલતી રાજ્યવ્યવસ્થા. આ એટલા માટે કે આપણને, એટલે કે સૌને યાદ રહે કે આપણે શાસકોને તાબે થઈ જતી પ્રજા માત્ર નથી, પણ રાજકારણમાં સીધી અને આડકતરી રીતે ભાગીદાર બનતાં નાગરિક છીએ. વિચારીને આપેલા આપણા મતનું દેશની પ્રગતિની દિશા નક્કી કરવામાં મહત્ત્વ છે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.