વડોદરા શહેરમાં હરીનગર અને અટલ બ્રીજ સહિતના કેટલાક સ્થળોએ લગાવવામાં આવેલા નવા ટ્રાફિક સિગ્નલો અંગે સ્થાનિક લોકોમાં અસંતોષ છે. આ સિગ્નલો ટ્રાફિકની સમસ્યા હલ કરવાને બદલે વધુ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા હોવાનું રેહવાસીઓ અને રાહદારોનું માનવું છે. સત્તાપક્ષના કાઉન્સિલર નિતીન દોંગાએ આ બાબતે શહેરના પોલીસ કમિશનરને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, હરીનગર બ્રીજ અને અટલ બ્રીજ નીચે નવા સિગ્નલો લગાવાયા બાદ ટ્રાફિકનું ભારણ વધ્યું છે, અને વાહનચાલકોને અનાવશ્યક ઉભા રહેવું પડે છે, જેના કારણે કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ થાય છે.
કાઉન્સિલર દોંગાએ પોતાના અનુભવો શેર કરતાં કહ્યું કે, અકોટા-દાંડીયાબજાર બ્રીજ પરનો ટ્રાફિક સિગ્નલ છેલ્લા એક મહિના જેટલા સમયથી બંધ છે, અને ત્યાં કોઈ પણ પ્રકારની ટ્રાફિક સમસ્યા ઉભી થતી નથી. જ્યારે સિગ્નલ કાર્યરત હતું, ત્યારે લોકો અનાવશ્યક રીતે રોકાતા હતા. આનો અર્થ એ નીકળે કે, ચોક્કસ જગ્યાઓએ ટ્રાફિક સિગ્નલોની જરૂરીયાત ન હોઈ શકે. સ્થાનિકોનું માનવું છે કે, જ્યાં પહેલાં સિગ્નલો નહોતા અને ટ્રાફિક સરળ રીતે વહેતો હતો, ત્યાં અચાનક સિગ્નલો લગાવવાથી સમસ્યા ઊભી થઈ છે. આ મુદ્દે કાઉન્સિલરે માંગ કરી છે કે, શહેરમાં બીનજરૂરી ટ્રાફિક સિગ્નલો અંગે વિગતવાર અભ્યાસ કરવામાં આવે અને જ્યાં જરૂરી ન હોય ત્યાં આ સિગ્નલો હટાવવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, બજેટ સભા દરમિયાન પણ સત્તા પક્ષના કોર્પોરેટર નીતિન દોંગાએ સભામાં પણ આ બાબતની રજૂઆત કરી હતી અને મેયરને આ બાબતે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી.
