Shinor

સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

શિનોર: શિનોર તાલુકાના સતિષાણા ગામે પોતાના લાડકવાયા સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિને હૃદયથી સંજોવનાર પિતા ભાસ્કરભાઇ પુરોહિત તથા માતા રમાબેન પુરોહિત દ્વારા સાત દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ કથા સપ્તાહનું ભવ્ય આયોજન કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.

શિનોર તાલુકા ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ તથા સતિષાણા ગામના વતની ભાસ્કરભાઇ પુરોહિત અને તેમની ધર્મપત્ની રમાબેન પુરોહિત દ્વારા પોતાના સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુની પાવન સ્મૃતિમાં તારીખ 7 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથા યોજાઈ રહી છે.

આ સંગીતમય ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય શ્રી રૂપેશભાઇ શાસ્ત્રી (સીતારામ) દ્વારા કરાવવામાં આવી રહ્યું છે. ભાગવત કથાના વિવિધ પ્રસંગોના ભાવસભર અને સજીવ નિરૂપણ દ્વારા આચાર્યશ્રીએ ભક્તજનોને આધ્યાત્મિક રસમાં લીન કરી દીધા છે.

કથાના છઠ્ઠા દિવસે “વ્યસન કરો પણ શેનું કરો” વિષય ઉપર આચાર્યશ્રી દ્વારા કરાયેલ પ્રવચન દરમિયાન ઉપસ્થિત ભક્તજનો ભાવવિભોર બની ગયા હતા.

આજરોજ રુક્મિણી વિવાહ તથા અંતિમ દિવસે સુદામા ચરિત્રના રસપાન સાથે કથા પૂર્ણ થનાર છે. આ ધાર્મિક આયોજનનો લાભ સતિષાણા ગામના ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો લઈ રહ્યા છે.

Most Popular

To Top