સગીર ધોરણ -12મા અભ્યાસ કરતો હતો, માતા પિતા ખેતરે ગયા અને સગીરે પગલું ભર્યું
મોત પાછળનું કારણ અકબંધ રહ્યું છે પોલીસે તપાસ હાથ ધરી
(પ્રતિનિધિ) વડોદરા તા. 08
અલીરાજપુર જિલ્લાના છોટીજીરી ગામે રહેતા ધોરણ -12મા અભ્યાસ કરતા સગીરે કોઇક અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબાટ તાલુકામાં આવેલા છોટી ઝીરી ગામમાં આવેલા જામુન પાનિયા મહોલ્લામાં 17વર્ષીય ધોરણ -12મા અભ્યાસ કરતો સગીર નામે દીવાન કદમસીગ બધેલ પોતાના માતા પિતા ભાઇ તથા બહેન સાથે રહેતો હતો.તેના માતા પિતા ખેતીકામ સાથે સંકળાયેલા છે. દિવાન બધેલે ગત તા. 25મી ઓક્ટોબરે જ્યારે તેના માતા પિતા સવારે ખેતીકામ અર્થે ખેતરમાં ગયા હતા તે દરમિયાન કોઇક અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ કોઇક ઝેરી દવા પી લીધી હતી જેના કારણે તેને ઉલટીઓ થવા લાગી હતી જે અંગેની જાણ આસપડોસમાં રહેતા લોકોને થતાં તેમણે તાત્કાલિક ખેતરમાં કામ કરતા દીવાનના માતાપિતાને જાણ કરી હતી જેથી માતાપિતા ખેતરેથી કામ પડતું મૂકીને તુરંત જ ઘરે દોડી આવ્યા હતાં અને પોતાના સગીર પુત્રે દવા પી લીધી હોવાનું જાણતા તેઓએ તાત્કાલિક દીવાનને સૌ પ્રથમ નજીકના બોરી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં દીવાનની તબિયત થોડી સુધરતાં ગત તા.29મી ઓક્ટોબરે પરત ઘરે લાવ્યા હતા પરંતુ દીવાન જમી કે બરાબર બોલી શકતો ન હતો અને ફરીથી તેની તબિયત લથડતાં તેને ફરી એકવાર બોરી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે તેનૈ ડભોઇ ખાતે આવેલ ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેની તબિયતમાં સુધારો ન થતાં આખરે તેને ગત તા.06 નવેમ્બરના રોજ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન ગત તા.08નવેમ્બરના રોજ તેનું આઇસીસીયુ મેડિસિન બી યુનિટ ખાતે મૃત્યુ નિપજ્યું હતું જેથી મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.અત્રે લખાય છે ત્યાં સુધી સગીરે ક્યા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.