21 ડિસેમ્બરે સગીરાને ભગાડી લઈ જઈ અલગ-અલગ સ્થળે દુષ્કર્મ આચર્યું હતું
(પ્રતિનિધિ) વડોદરા | તા. 3
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી તેને અલગ-અલગ સ્થળે લઈ જઈ વારંવાર દુષ્કર્મ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીની ધરપકડથી વિસ્તારમાં રાહતની લાગણી જોવા મળી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના જેસિંગપુરા ડુંગરી ફળિયામાં રહેતા મયુર અળખ કટારાએ ગત તા. 21 ડિસેમ્બરના રોજ વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી 14 વર્ષીય સગીરાનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ આરોપી સગીરાને વિવિધ સ્થળોએ લઈ જઈ તેના સાથે શારીરિક સંબંધ બાંધતો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. આ અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અપહરણ અને પોક્સો સાથે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ફરિયાદ નોંધાયા બાદ મકરપુરા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સિસના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન માહિતી મળી હતી કે સગીરા અને આરોપી ભીલોલા તાલુકાના તેના ઘરે છુપાયેલા છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ત્યાંથી પકડી પાડ્યો હતો.
આરોપીને વડોદરા લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સગીરાને સુરક્ષિત રીતે રિકવર કરી તેના પરિવારજનોને સોંપવાની તેમજ આગળની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળે છે.