Vadodara

સંસ્કારી નગરીની વિરાસત જળવાશે, વિકાસને વેગ મળશે: પાલિકા બજેટ ચર્ચામાં

ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને બેઠક: સ્માર્ટ સિટી અને હેલ્થ સેક્ટર માટે મોટી જોગવાઈઓ અંગે વિસ્તૃત ચર્ચા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે રજૂ કરાયેલા વર્ષ 2026-27ના ડ્રાફ્ટ બજેટ પર આજથી સ્થાયી સમિતિમાં વિસ્તૃત ચર્ચાનો પ્રારંભ થયો છે. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા રજૂ કરવામાં આવેલા રૂ. 7609 કરોડથી વધુના આ બજેટમાં શહેરની ઐતિહાસિક ઓળખને જાળવી રાખીને આધુનિક સુવિધાઓના નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ દિવસની બેઠકમાં બજેટના વિવિધ પાસાઓ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંગ, સભા સેક્રેટરી, ચીફ એકાઉન્ટન્ટ અને સ્થાયી સમિતિના તમામ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન સ્થાયી સમિતિના સભ્યોએ વિવિધ વિભાગોના ખર્ચ, આવકના સ્ત્રોતો અને જનતા પરના કરબોજ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. સભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલા રચનાત્મક સૂચનોને ધ્યાને લઈ બજેટમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે.
​સ્થાયી સમિતિમાં ચર્ચાના તબક્કા પૂર્ણ થયા બાદ, સુધારેલા બજેટને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. વડોદરાના ભવિષ્યના રોડમેપ સમાન આ બજેટથી શહેરના વિકાસને નવી દિશા મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
બોક્ષ:- બજેટના મુખ્ય આકર્ષણો અને પ્રાથમિકતાઓ…
​કમિશનરે રજૂ કરેલા આ બજેટની થીમ ‘વિરાસત થી વિકાસ’ રાખવામાં આવી છે. જેમાં વડોદરાની સંસ્કારી નગરી તરીકેની છાપ જાળવી રાખવાની સાથે નીચે મુજબના ક્ષેત્રો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:
*​મૂળભૂત સુવિધાઓ: રસ્તા, પીવાનું શુદ્ધ પાણી અને ડ્રેનેજ સિસ્ટમના નેટવર્કને મજબૂત બનાવવાની જોગવાઈ.
*​જાહેર આરોગ્ય અને સફાઈ: સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરની સફાઈ વ્યવસ્થા અને આરોગ્ય કેન્દ્રોના અપગ્રેડેશન પર ભાર.
*​પર્યાવરણ અને સ્માર્ટ સિટી: ગ્રીન વડોદરાના સંકલ્પ સાથે પર્યાવરણ જાળવણી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સને ગતિ આપવી.

Most Popular

To Top