ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર યોજના અંતર્ગત 900 કરોડના ખર્ચે હયાત રસ્તો ફોરલેન બનશે
રાજસ્થાન અને માનગઢ જવું હવે થશે સરળ.
પ્રતિનિધી ગોધરા તા.07
પંચમહાલ અને મહીસાગર જિલ્લાના પ્રજાજનો અને વાહનચાલકો હવે બિસ્માર માર્ગથી હાશકારો અનુભવશે .125-મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી નિમિષાબેન સુથારની રજૂઆતો બાદ રાજ્ય સરકારે સંતરોડથી સંતરામપુર માર્ગને નવો લુક આપવાનો નિર્ણય કર્યો છે. સરકારે આ વિસ્તારના માર્ગોના વિકાસ માટે અંદાજિત 900 કરોડ રૂપિયાના માતબર ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે.
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત સંતરોડ-સંતરામપુર રોડના વિકાસ માટે સરકારે તિજોરી ખોલી દીધી છે. મંજૂર થયેલી વિગતો મુજબ, આ પ્રોજેક્ટમાં અંદાજિત 900 કરોડ રૂપિયાના ખર્ચે હાલના રસ્તાનું નવીનીકરણ અને ફોરલેનની કામગીરી કરવામાં આવશે. આ મંજૂરી મળતા વિસ્તારના વિકાસને મોટો વેગ મળશે.
મોરવા હડફ વિસ્તારના લોકોની સમસ્યા ઉકેલવી એ લોકપ્રતિનિધિની પ્રાથમિક ફરજ હોય છે. સંતરોડથી સંતરામપુરનો રસ્તો સાંકડો હોવાથી અને ટ્રાફિકને કારણે લોકોને ભારે હાલાકી પડતી હતી. આ જનહિતના મુદ્દે ધારાસભ્ય નિમિષાબેન સુથારે સરકારમાં અસરકારક રજૂઆતો કરી હતી. આખરે તેમની રજૂઆતને સફળતા મળી અને સરકારે આ મેગા પ્રોજેક્ટને લીલીઝંડી આપી.આ ફોરલેન કોરિડોર તૈયાર થઈ જવાથી પંચમહાલ અને મહીસાગર જિલ્લાની કનેક્ટિવિટીમાં મોટો વધારો થશે. ખાસ કરીને સંતરોડ અને સંતરામપુર થઈને રાજસ્થાન તરફ જતા વાહનો તેમજ ઐતિહાસિક યાત્રાધામ માનગઢ હિલ જતા શ્રદ્ધાળુઓનો સમય બચશે અને મુસાફરી વધુ આરામદાયક અને ઝડપી બનશે.