હજી પણ શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ યથાવત, નિયમો અને સમયસીમા પર અનિશ્ચિતતા
વડોદરા શહેરને 1 માર્ચથી હોર્ડિંગ ફ્રી સિટી બનાવવા માટે મોટી જાહેરાત કરવામાં આવી હતી, પણ જમીન પર હકીકત કંઈક અલગ જ નજરે પડી રહી છે. હજી પણ અનેક મુખ્ય રસ્તાઓ, ક્રોસ રોડ અને જાહેર સ્થળોએ મોટા હોર્ડિંગ યથાવત છે. તાજેતરમાં સંગમ ચાર રસ્તા પાસે એક હોર્ડિંગ રોડ પર પડી જતાં હોર્ડિંગ ફ્રી શહેરના દાવાઓ પર સવાલ ઊભા થયા છે. શહેરમાં ક્યાં હોર્ડિંગ લગાવી શકાશે? કયા નિયમો હેઠળ લગાવવામાં આવશે? અને આ માટે શાનું પાલન કરવું પડશે? તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ SOP જાહેર કરવામાં આવી નથી. જેના કારણે નિયમિતતા અને અમલવારીને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.
અધિકારીઓ દ્વારા હોર્ડિંગ હટાવવાની કામગીરી ચાલુ હોવાની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ ક્યારે બધાં હોર્ડિંગ દૂર થશે તે અંગે કોઈ ચોક્કસ સમયગાળો જાહેર કરવામાં આવ્યો નથી. શહેરના કયા વિસ્તારમાં હોર્ડિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે? નવી જાહેરાતો માટે કોઈ પરવાનગીની વ્યવસ્થા હશે કે નહીં? કેટલા સમયમાં શહેર સંપૂર્ણપણે હોર્ડિંગ ફ્રી થશે? આ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવતા હોવા છતાં, તંત્ર તરફથી કોઈ ચોક્કસ નિયમો જાહેર કરાયા નથી. જો હોર્ડિંગ ફ્રી સિટીનું સપનું વાસ્તવિકતા બનવું હોય, તો તંત્રએ સ્પષ્ટ નીતિ ઘડવી અને તેના અમલ માટે ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવી જરૂરી છે.
