*
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના આકાખેડા ગામે ડુંગર ઉપર બિરાજમાન વિંધ્યવાસીની માતાજીના મંદિરના 15 માં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ હતી. મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટયા હતા. સાંજે ભંડારામાં મહાપ્રસાદીનો લાભ પણ ભક્તોએ લીધો હતો.
સંખેડા તાલુકાના આકાખેડા ગામ નજીક ડુંગર ઉપર બિરાજમાન વિંધ્યવાસીની માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર નાના ડુંગર ઉપર હોઈ આ વિસ્તારમાં ડુંગરીમાતા તરીકે પણ આ મંદિર ઓળખાય છે. 15 વર્ષ અગાઉ અહીંયા માતાજીનું માત્ર નાનું દેરું જ હતું. મંદિર સુધી પહોંચવા માટેનો કોઈ રસ્તો પણ નહોતો. ડુંગરની નાની કેડી ઉપરથી ચડવું પડતું હતું. લાઈટની પણ સૂવિધા નહોતી. જોકે આ વિસ્તારના અનેક રહીશોને માતાજીમાં વિશ્વાસ અને શ્રદ્ધા હોઈ ધીમે ધીમે એક પછી એક એમ અનેક પ્રકારની સુવિધાઓ ઉભી થઈ છે. મંદિર સુધી પગથિયાં બની ગયા છે. સુંદર મંદિર પણ બની ગયું છે. ઉપર બેસવા માટેની વ્યવસ્થા, પેવર બ્લોલ તેમજ લાઈટની પણ સુવિધા થઈ છે. જેને કારણે બારેમાસ અહીંયા ભક્તોની અવરજવર માતાજીના મંદિરે ચાલુ રહે છે.
અહીંયા 15 માં પાટોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. નવચંડી યજ્ઞ સાંજે ચાર વાગે શ્રીફળ હોમાયું હતું. માતાજીના મંદિરે અન્નકૂટના પણ દર્શન યોજાયા હતા. સવારથી સાંજ સુધી
માઈભક્તો દર્શન માટે ઉમટી પડયા હતા. સાંજે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું.
