ગેસના ભાવ વધારા અને નવી બુકિંગ નીતિથી ગ્રાહકો પરેશાન
ઘરેલુ ગેસમાં રૂ.55 અને કોમર્શિયલ ગેસમાં રૂ.100નો વધારો, કાળાબજારીની ચર્ચા
(પ્રતિનિધિ) સંખેડા, તા.12:
ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વિપરીત અસરો હવે સ્થાનિક સ્તરે પણ જોવા મળી રહી છે. લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના પુરવઠામાં તંગી સર્જાતા સંખેડા વિસ્તારમાં ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. સંખેડાની નીલકંઠ ગેસ એજન્સી ખાતે ગેસ સિલિન્ડર મેળવવા માટે વહેલી સવારથી જ ગ્રાહકોની લાંબી લાઈનો લાગી હતી.
મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડરના ભાવમાં તાજેતરમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરમાં રૂ.55નો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં રૂ.100 જેટલો વધારો નોંધાયો છે. સાથે જ ગેસ સિલિન્ડરની બુકિંગ નીતિમાં પણ અચાનક ફેરફાર કરવામાં આવતા ગ્રાહકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
નવી નીતિ મુજબ અગાઉના સિલિન્ડર પછી 25 દિવસ પૂર્ણ થયા બાદ જ નવા સિલિન્ડરની નોંધણી થઈ શકશે. મોટાભાગે ઓનલાઇન બુકિંગ થતું હોવા છતાં હાલ તે પ્રક્રિયા લગભગ બંધ જેવી સ્થિતિમાં પહોંચી ગઈ હોવાનું કહેવામાં આવે છે. આ પરિસ્થિતિનો લાભ લઈ કેટલાક તત્વો ઘરેલુ ગેસ સિલિન્ડર રૂ.1000થી રૂ.1200 સુધીના ઊંચા ભાવે વેચતા હોવાની ચર્ચાઓ પણ વિસ્તારમાં ચાલી રહી છે.
પરિણામે સંખેડાની નીલકંઠ ગેસ એજન્સી ખાતે ગ્રાહકો સિલિન્ડર સાથે લઈને નોંધણી કરાવવા અથવા તાત્કાલિક ડિલિવરી મેળવવા માટે મોટી સંખ્યામાં પહોંચતા ઓફિસ બહાર લાંબી લાઈનો લાગી હતી. આ સ્થિતિને કારણે સામાન્ય લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા