માત્ર ત્રણ દિવસ પહેલાં રીપેર કરાયેલી કેનાલમાં પાણી આવતાં જ મોટું ભંગાણ, ખેડૂતોમાં રોષ
(પ્રતિનિધિ) સંખેડા
સંખેડા તાલુકાના ભાટપુર અને ટીંબા ગામ વચ્ચે આવેલી ખુનવાડ માઇનોર નર્મદા કેનાલ માત્ર ત્રણ દિવસ પહેલાં જ રીપેર કરવામાં આવી હતી. પરંતુ કેનાલમાં પાણી છોડતાની સાથે જ ફરીથી મોટું ભંગાણ સર્જાયું હતું. કેનાલ તૂટી જતાં માટી ધોવાઈ ગઈ હતી અને અંદરના સળિયા બહાર દેખાવા લાગ્યા હતા, જેનાથી સમારકામની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
મળતી માહિતી મુજબ, કેનાલના બંને બાજુ થોડા અંતરે ભંગાણ થયું હતું. એક બાજુ આશરે 15 ફૂટ જેટલું મોટું ભંગાણ સર્જાયું હતું અને પેરાફીટ પણ તૂટી નીચે ધરાશાયી થઈ ગઈ હતી. કેનાલના સમારકામમાં વપરાયેલા સળિયા બહાર આવી જતાં કામની નબળી ગુણવત્તા સ્પષ્ટ દેખાઈ આવી હતી. ભારે માત્રામાં પાણી કોતરમાં વહી જતાં આજુબાજુના ખેતરોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.
ખેડૂતોનો ગંભીર આક્ષેપ
ભાટપુર ગામના સ્થાનિક ખેડૂત પ્રશાંત પરમારે જણાવ્યું હતું કે માઇનોર કેનાલનું રીપેરિંગ ખૂબ જ તકલાદી અને હલકી કક્ષાનું કરવામાં આવ્યું છે. “ખેડૂતોને સિંચાઈનો યોગ્ય લાભ મળવો જોઈએ, પરંતુ કરોડો ખર્ચા બાદ પણ કામ નબળું થાય છે. જો યોગ્ય તપાસ થાય તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવશે,” એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
ટીંબા ગામના ખેડૂત હરિવદન પટેલે જણાવ્યું હતું કે ખુનવાડ માઇનોર કેનાલ વર્ષોથી તૂટી પડેલી હતી. “આ વર્ષે ઘણી આશા સાથે કેનાલનું રીપેરિંગ કરાયું, પરંતુ માત્ર ત્રણ દિવસમાં જ પાણી આવતાં તે ફરીથી તૂટી ગઈ, જે તકલાદી કામનો પુરાવો છે,” તેમ તેમણે જણાવ્યું હતું.
વિભાગનો જવાબ
આ મામલે ખુનવાડ નર્મદા કેનાલના ડી.ઈ. આઈ.ડી. સોલંકીએ જણાવ્યું હતું કે, “કોન્ક્રિટનું લાઇનિંગ તાજું હતું. ખેડૂતો દ્વારા રાત્રે પથરા પાછા ગોઠવી પાણી ચાલુ કરી દેવાતા ભારે નુકસાન થયું છે. હવે કોન્ટ્રાક્ટરને ફરીથી કેનાલનું રીપેરિંગ કરાવવાની કાર્યવાહી કરવામાં આવશે.”
એક તરફ ખેડૂતો નબળી કામગીરી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ વિભાગ દ્વારા ફરીથી કામ કરાવવાની ખાતરી આપવામાં આવી છે. જોકે, વારંવાર તૂટી પડતી કેનાલને લઈ ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે.
રિપોર્ટર: સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા