Sankheda

સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’

ગ્રામજનોને જોઈને મશીન લઈને ભાગ્યા રેતી માફિયા, અધિકારી નહીં આવતા નદીમાં ધરણા
સાંજ સુધી અધિકારી નહીં આવે તો ટ્રેક્ટર નદીમાં ઉતારી રેતી ભરીશું” – ગ્રામજનોની ચીમકી


પ્રતિનિધિ : સંખેડા

સંખેડા તાલુકાના દમોલી ગામ નજીક વહેતી ઓરસંગ નદી આજે વહેલી સવારે ફરી એકવાર ગેરકાયદેસર રેતી ખનનનો જીવંત દાખલો બની. નદીપટમાં ચાલતા ગેરકાયદે ખનનની જાણ થતાં જ ગામના યુવાનો અને ગ્રામજનોએ સ્થળ પર પહોંચી “જનતા રેડ” કરી હતી. ગ્રામજનોને જોઈને રેતી માફિયા લોડર–મશીનો લઈને ભાગી છૂટ્યા હતા. જોકે વારંવાર ફોન કરવા છતાં ખાણ ખનિજ વિભાગનો એક પણ અધિકારી સ્થળ પર ન આવતા ગ્રામજનોએ નદીમાં જ ધરણા કર્યા હતા.
ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે ‘સ્વર્ગ’ બની?

છોટા ઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી લાંબા સમયથી રેતી માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગઈ હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. ઠેરઠેર ગેરકાયદે ખનન થતું રહે છે, સરકારની તિજોરીને મોટું નુકસાન થાય છે, છતાં જવાબદાર વિભાગો નિષ્ક્રિય રહેતા હોવાની ભારે નારાજગી જોવા મળે છે. તાજેતરમાં પાવી જેતપુરના રતનપુર અને લોઢણ ખાતે જનતા રેડ દરમિયાન 7 મશીન અને 4 હાઈવા ટ્રક ઝડપી પાડવામાં આવ્યા હતા—તેમ છતાં માફિયાઓ ફરી બેફામ બન્યા છે.
દમોલીમાં વહેલી સવારથી ખનન, યુવાનો મેદાને

દમોલીમાં આજે વહેલી સવારથી નદીપટમાં ગેરકાયદે રેતી ખનન ચાલતું હોવાની જાણ થતાં ગામના યુવાનોએ તરત જ સ્થળ પર પહોંચી રેડ કરી. ગ્રામજનો આવતાં જ માફિયા મશીન લઈને ભાગી ગયા. ત્યારબાદ ગ્રામજનોએ ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ અને ઇન્ચાર્જ અધિકારીને વારંવાર ટેલિફોનિક જાણ કરી—પરંતુ બપોર સુધી કોઈ હાજર ન થતાં લોકો નદીમાં ધરણા પર બેસી ગયા. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે સાંજ સુધી અધિકારી નહીં આવે તો પોતે ટ્રેક્ટર નદીમાં ઉતારી રેતી ભરવાનું શરૂ કરશે.
અગાઉ પણ દમોલીમાં ગેરકાયદે રેતી ખનન પકડાયું હતું. ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યો દ્વારા રેડ કરીને કાર્યવાહી કરાવવામાં આવી હતી. તેમ છતાં જિલ્લાની સરહદે આવેલા આ ગામમાં ખાણ ખનિજ વિભાગ સતત નિષ્ક્રિય દેખાતા હવે ગ્રામજનોએ જાતે જ જનતા રેડ કરવાની ફરજ પડી હોવાનું કહેવામાં આવે છે.
ગ્રામજનોનો આક્રોશ
“એક અઠવાડિયાથી રેતી ચોરી ચાલી રહી હતી. અમે સવારે 7:30 વાગ્યે સ્થળ પર પહોંચતા જ માફિયા લોડર અને ગાડીઓ લઈને ભાગી ગયા. 10 વાગ્યાથી ફોન કરીએ છીએ, 2 વાગ્યા થયા છતાં કોઈ અધિકારી આવ્યો નથી. એટલે અમે ધરણા પર બેઠા છીએ.”
— વિક્રમભાઈ વસાવા, સ્થાનિક યુવક, દમોલી
“ચાર વાગ્યા સુધી અધિકારી નહીં આવે તો 100 ટ્રેક્ટર નદીમાં ઉતારશું. રેતી જાતે કાઢીશું અને પૈસા ગામમાં ધર્માદા કરી દઈશું.”
— રાજેન્દ્રસિંહ ડોડીયા, સ્થાનિક યુવક, દમોલી
અધિકારીનો બચાવ
“રાત્રે ટ્રેક્ટર ભરાતા હોવાની ફરિયાદ મળે છે. વિસ્તાર બોર્ડરનો હોવાથી તપાસમાં અડચણ આવે છે. તપાસ કરીશું.”
— વિપુલ સોલંકી, ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી, છોટા ઉદેપુર

Most Popular

To Top