બેને સામાન્ય ઈજાઓ, ચાલક ફરાર
(પ્રતિનિધિ) સંખેડા, તા. 27/01/2026
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોજપુર ગામ નજીક બપોરના સમયે હિટ એન્ડ રનની ગંભીર ઘટના બની હતી. પીળા રંગની ક્રેનના બેદરકાર ચાલકે અડફેટે લેતાં એક વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ, વિદ્યાનગર ખાતે રહેતા દક્ષાબેન માછી, તેમની ફોઈ સાસુ ઇન્દુબેન ગોરધનભાઈ માછી અને બ્રિજેશભાઈ મોટરસાયકલ લઈને સિહોદરા ગામે પ્રસંગ પૂરો કરી પરત ફરી રહ્યા હતા. બપોરના અંદાજે બે થી અઢી વાગ્યાના અરસામાં ગોજપુર ગામ પાસે ઇન્દુબેનને વોશરૂમ માટે જવું હોવાથી મોટરસાયકલ રોડની સાઈડ પર ઉભી રાખવામાં આવી હતી. ત્રણેય રોડની બાજુમાં ઊભા હતા ત્યારે અચાનક પૂરઝડપે આવી રહેલી ક્રેને ગફલતભરી રીતે વાહન હંકારી ત્રણેયને ટક્કર મારી હતી.
અકસ્માતમાં ઇન્દુબેન ગોરધનભાઈ માછી ક્રેનના પાછળના ટાયર નીચે આવી જતા તેમને મોઢા અને હાથમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું. અકસ્માત સર્જી ક્રેન ચાલક વાહન મૂકી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માતમાં દક્ષાબેનને જમણા પગમાં ઈજા અને બ્રિજેશભાઈને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી.
આ બનાવ અંગે સંખેડા પોલીસ સ્થળ પર પહોંચી ક્રેન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મૃતકને પોસ્ટમોર્ટમ અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
રિપોર્ટર— સુરેન્દ્રસિંહ ચાવડા, સંખેડા