શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના રીસેક્શનીંગ અને ડીસિલ્ટિંગ માટે કોરપોરેશન દ્વારા આજથી કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ સિંચાઈ વિભાગ હજી સુધી પ્રોજેક્ટ શરૂ કરી શક્યો નથી, કારણ કે તેના ટેન્ડર હજુ સરકારની મંજૂરી માટે ગાંધીનગરમાં છે. આ ટેન્ડર 4.5 કિમીના વિભાગોમાં અલગ-અલગ છ ભાગમાં વહેંચવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી મંજૂરી મળી નથી, જેનાથી સમગ્ર પ્રોજેક્ટના સંકલનમાં સ્પષ્ટ વિલંબ દેખાઈ રહ્યો છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની શરૂઆતથી જ કોરપોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે ગાંધીનગરમાં ઘણી બેઠકો યોજાઈ હતી, જેથી બંને વિભાગો વચ્ચે સંકલન રહે. તેમ છતાં, હવે જ્યારે કાર્ય આરંભ થવાનું નક્કી થયું છે, ત્યારે કોર્પોરેશને પ્રોજેક્ટ શરૂ કરી દીધો છે, પણ સિંચાઈ વિભાગ પાછળ રહી ગયું છે. મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકારે ચોમાસા પહેલા આ કામ પૂર્ણ કરવા માટે તાકીદ કરી છે. છતાં, સિંચાઈ વિભાગના ટેન્ડરો મંજૂર થવામાં વિલંબ થવાને કારણે વિશ્વામિત્રી પ્રોજેક્ટમાં અનિશ્ચિતતા સર્જાઈ છે. સૂત્રોના મતે, આગામી સપ્તાહમાં ટેન્ડરો મંજૂર થઈ શકે છે. અગાઉ વડોદરા શહેરમાં આ કામના ખાતમુહૂર્ત માટે રાજ્યના મુખ્યમંત્રીને આમંત્રણ આપવા માટે રાજકીય સ્તરે પ્રયાસો થયા હતા, પરંતુ ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક વિખવાદ હોવાને કારણે એ શક્ય બન્યું નહિ. બીજી તરફ, સિંચાઈ વિભાગે હજી સુધી નક્કી કરી શક્યું નથી કે ખાતમુહૂર્ત માટે કોણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, જ્યારે એક જ પ્રોજેક્ટ માટે બે અલગ-અલગ વિભાગો કાર્યરત હોય, તો બંને વિભાગો વચ્ચે ચોક્કસ સંકલન થવું ખૂબ જરૂરી છે. પરંતુ સંકલનના અભાવે હજું સિંચાઇ વિભાગનું કામ શરૂ થઈ શક્યું નથી.
