ગુલઝારભાઈ ભોઈની સતર્કતા અને એમ્બ્યુલન્સની ત્વરિત કામગીરીથી શ્વાનને નવજીવન મળ્યું
પ્રતિનિધિ ગોધરા તા.07
ગોધરા તાલુકાના કાંકણપુર અને તેની નજીક આવેલા ટીંબાની મુવાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી શ્વાનોમાં બીમારી જોવા મળી રહી છે. આ રોગમાં શ્વાનનું શરીર અચાનક કડક થઈ જાય છે અને ટૂંક સમયમાં જ તેનું મૃત્યુ નીપજે છે. આવી જ પરિસ્થિતિમાં ટીંબાની મુવાડી ગામમાં એક શ્વાન મોત સામે લડી રહ્યો હતો. ત્યારે સ્થાનિક સામાજિક કાર્યકરની સમયસૂચકતા અને સરકારી એમ્બ્યુલન્સની મદદથી તેને નવજીવન મળ્યું છે.

ટીંબાની મુવાડી ગામમાં જ્યારે એક શ્વાનમાં આ જીવલેણ રોગના લક્ષણો જોવા મળ્યા ત્યારે કાંકણપુર ગ્રામ પંચાયત વોર્ડ નંબર-૪ ના સામાજિક કાર્યકર ગુલઝારભાઈ ભોઈ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. શ્વાનની હાલત અત્યંત નાજુક હોવાનું જણાતા તેમણે વિલંબ કર્યા વગર સરકારની 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સને જાણ કરી હતી.ગુલઝારભાઈના ફોન બાદ કરુણા એમ્બ્યુલન્સની ટીમ ગણતરીની મિનિટોમાં જ ટીંબાની મુવાડી પહોંચી ગઈ હતી. પશુ ચિકિત્સકોની ટીમે સ્થળ પર જ શ્વાનની સઘન સારવાર શરૂ કરી હતી. યોગ્ય સમયે દવા અને સારવાર મળતા શ્વાનની હાલતમાં સુધારો થયો હતો અને તેનો જીવ બચી ગયો હતો.

નોંધનીય છે કે આ વિસ્તારમાં શ્વાનોમાં ફેલાયેલા આ અજાણ્યા રોગને કારણે પશુપ્રેમીઓમાં ચિંતાનો માહોલ છે. આવા સમયે સામાજિક કાર્યકર ગુલઝારભાઈ ભોઈની જાગૃતતા અને કરુણા એમ્બ્યુલન્સની નિષ્ઠાપૂર્વકની સેવાની ગ્રામજનો દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી રહી છે. પશુ દયાનું આ ઉત્તમ ઉદાહરણ પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
રિપોર્ટર: આશિષ બારીયા